આદિવાસી દીકરી પરિશ્રમની પાંખોથી બની પાઇલટ

Wednesday 05th April 2023 06:37 EDT
 
 

વલસાડઃ વલસાડના રાબડા ગામના વતની અને હાલમાં શહેરના બેચર રોડ પર હાઇવે પાર્ક એપાર્ટમેન્ટમાં રહેતા હિતેશ ઠાકોરભાઈ પટેલ બેન્કમાં કેશિયર છે. તેમને સંતાનમાં બે દીકરી મિતાલી અને દિવ્યા છે. મિતાલીએ વલસાડની સેન્ટ જોસેફ હાઇસ્કૂલમાંથી અભ્યાસ બાદ પાઇલટના અભ્યાસ માટે મુંબઈની વાટ પકડી હતી, ત્યારબાદ વધુ અભ્યાસ માટે વિદેશ જવું અને નોકરી મેળવવા સુધી લાખો રૂપિયાનો ખર્ચ થાય તેમ હતો. જો કે માવતર મનોબળ હાર્યાં નહીં અને દીકરી પાછળ જીવનભરની પૂંજી ખર્ચી નાખી હતી.
હતાશાભરી સ્થિતિમાં તેમણે એક દિવસમાં વર્તમાન પત્રમાં ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ કોર્પોરેશન દ્વારા આદિવાસી બાળકો આગળ વધે તે માટે પાઇલટ યોજના હેઠળ રૂ. 15 લાખ સુધીની લોનની સહાય વિદેશ અભ્યાસઅર્થે માત્ર 4 ટકાના નજીવા વ્યાજના દરે મળતી હોવાનું વાચ્યું હતું. તેમાં સૌથી મોટી રાહત એ હતી કે, લોન લીધા પછી 1 વર્ષ બાદ સરળ હપતેથી 15 વર્ષ સુધીમાં લોન ભરવાની હતી. જેથી પિતા હિતેશભાઈ જિલ્લા પ્રાયોજના વહીવટદાર કચેરીમાં પહોંચી વિદેશ અભ્યાસઅર્થે લોનની સહાય માટે અરજી કરતાં તેમની લોન મંજૂર થતાં રૂ. 15 લાખનો ચેક ગાંધીનગરથી મળતાં મિતાલીની કારકિર્દીની શરૂઆત થઈ.
મિતાલીએ વલસાડ ટાઉનથી સીધી અમેરિકાના કેલિફોર્નિયામાં પહોંચી કોમર્શિયલ પાઇલટના લાઇસન્સની ટ્રેનિંગ પૂર્ણ કરી પરત ફરી હતી. અહીં વિદેશનું લાઇસન્સ કન્વર્ટ કરાવ્યા બાદ પાઇલટ માટેની નોકરી માટે એરબસની ટ્રેનિંગ માટે અબુધાબી જવું પડ્યું હતું. જ્યાં બે માસની તાલીમ બાદ પરત ભારત આવી અને હાલમાં હૈદરાબાદના રાજીવ ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર મિતાલી રૂ. 1.50 લાખના પગાર ધોરણે પાઇલટ તરીકે ઇન્ટરનેશનલ ફલાઇટ ઉડાવે છે.


comments powered by Disqus