ઇન્દોરઃ ઇન્દોરમાં રામનવમીના તહેવાર પર એક મોટી દુર્ઘટના સર્જાઈ. પટેલનગરમાં આવેલા બેલેશ્વર મહાદેવ મંદિરમાં આવેલી વાવની છત ધસી પડતાં 60થી વધુ લોકો તેમાં સમાઈ ગયા હતા, જેમાં 36 લોકોનાં મોત નીપજ્યાં છે. દુર્ઘટનામાં મૂળ કચ્છના નખત્રાણાના અને વર્ષોથી ધંધાર્થે ઇન્દોર સ્થાયી થયેલા પટેલ પરિવારના 11 લોકો પણ મોતને ભેટ્યા છે.
મંદિરમાં આ પ્રકારે મોટી દુર્ઘટના સર્જાતાં રેસ્ક્યૂ ઓપરેશનમાં આર્મી અને એનડીઆરએફની ટીમને ઉતારવામાં આવી હતી, જે અંતર્ગત 140 જવાન દ્વારા રેક્સ્યૂ હાથ ધરવામાં આવ્યું. ઉલ્લેખનીય છે કે મંદિરમાં આવેલી 60 ફૂટ ઊંડી વાવને ઢાંકી તેના પર છત બનાવવામાં આવી હતી. ઘટના સમયે હવન ચાલી રહ્યો હતો અને અન્ય લોકો બેઠા હતા. એકાએક વજન વધી જતાં વાવની છત તૂટી પડી અને તેના પર બેઠેલા તમામ લોકો વાવમાં સમાઈ ગયા, જેમના પર છતનો કાટમાળ પડ્યો હતો. વાવમાં પુરુષો, મહિલાઓ અને બાળકો સહિત 60થી વધુ લોકો સમાઈ ગયા હતા.
મૃતકોનાં અંગદાનનો પરિવારનો નિર્ણય
બેલેશ્વર મંદિર દુર્ઘટનામાં પોતાના વ્હાલસોયાને ગુમાવનારા પરિવારજનો દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. કેટલાક પરિવાર દ્વારા તેમના મૃતક સ્વજનનાં અંગોનું દાન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. દુર્ઘટનામાં માર્યા ગયેલા 8 લોકોના પરિવારે તેમની આંખ અને ત્રણ પરિવારે સ્કિનનું દાન કર્યું છે. પરિવાર દ્વારા લેવાયેલા આ નિર્ણયને લોકોએ બિરદાવ્યો હતો.
40 વર્ષ પહેલાં વાવને ઢાંકી દેવાઈ હતી
બેલેશ્વર મહાદેવ મંદિરમાં રામનવમી નિમિત્તે કરાયેલા હવન કાર્યક્રમમાં લોકો પૂર્ણાહુતિ માટે આગળ વધ્યા ત્યારે જ છત વાવમાં બેસી ગઈ હતી. 60 વર્ષ જૂના આ એકદમ નાના મંદિરમાં 40 વર્ષ પહેલાં પરિસરમાં આવેલી વાવને ઢાંકી દઈ મંદિરનો વિસ્તાર કરવામાં આવ્યો હતો.
મુખ્યમંત્રીએ આપ્યા તપાસના આદેશ
મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે મંદિરમાં થયેલી દુર્ઘટના અંતે તપાસના આદેશ આપ્યા છે. વાવ પર કોના આદેશથી સ્લેબ નખાયા તે અંગે તપાસ હાથ ધરવામાં આવી છે. મુખ્યમંત્રીએ મૃતકના પરિવારને રૂ. 5 લાખ અને ઘાયલોને રૂ. 50 હજારની સહાય જાહેર કરી છે.
મ્યુનિ. કોર્પોરેશને દબાણ દૂર કર્યું
બેલેશ્વર મંદિરની દુર્ઘટનામાં 36નાં મોત બાદ કોર્પોરેશન દ્વારા તાત્કાલિક પગલાં લઈ મંદિરમાં થયેલું અતિક્રમણ દૂર કરાયું હતું. મનપાના સ્ટાફ સામે દબાણ હટાવવા મુદ્દે બજરંગદળ અને હિન્દુવાદી સંગઠનોએ વિરોધ નોંધાવ્યો હતો. તકેદારીના ભાગરૂપે પ્રશાસને અન્ય ધાર્મિક સ્થળનું અતિક્રમણ પણ દૂર કર્યું છે.

