કેજરીવાલે ફરી પ્રધાનમંત્રીની ડિગ્રી પર ઉઠાવ્યા સવાલ

Wednesday 05th April 2023 07:12 EDT
 
 

નવી દિલ્હીઃ અરવિંદ કેજરીવાલ દ્વારા પ્રધાનમંત્રી મોદીની ડિગ્રી જાહેર કરવા માગણી કરવામાં આવી હતી, જેને ગુજરાત હાઇકોર્ટ દ્વારા રદ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત હાઇકોર્ટે અરવિંદ કેજરીવાલે રૂ. 25 હજારનો દંડ ફટકાર્યો છે. આ સાથે હાઇકોર્ટે પીએમઓને પણ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રીની ડિગ્રી જાહેર કરવાની કોઈ જરૂર નથી.
ગુજરાત હાઇકોર્ટ દ્વારા રૂ. 25 હજારનો દંડ કર્યો તેના બીજા જ દિવસે કેજરીવાલે ફરી પ્રધાનમંત્રી મોદીની ડિગ્રી પર અને ગુજરાત હાઇકોર્ટના નિર્ણય પર સવાલ ઉઠાવ્યા છે. શનિવારે 1 એપ્રિલે કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સ કરી મોદીની ડિગ્રીને લઈને સીધો હુમલો કર્યો હતો. તેમણે કહ્યું કે, દેશના પ્રધાનમંત્રીનું શિક્ષિત હોવું જરૂરી છે. પ્રધાનમંત્રી મોદીનું નિવેદન વિચલિત કરે છે. શિક્ષિત વ્યક્તિ ગટરનો ગેસ કાઢવાની વાત નહીં કરે. વાદળની પાછળ રડાર નહીં પકડી શકે. એવું લાગે છે કે તેમને વિજ્ઞાન અંગે કોઈ સમજ નથી.
હાઇકોર્ટના નિર્ણયનો ઉલ્લેખ કરતાં કેજરીવાલે જણાવ્યું કે, હાઇકોર્ટનો ઓર્ડર છે કે મોદીના ક્વોલિફિકેશનની જાણકારી આપી ન શકાય. હાઇકોર્ટના નિર્ણયથી પ્રધાનમંત્રીના શિક્ષણ અંગે શંકા વધી ગઈ છે. બની શકે કે પ્રધાનમંત્રી પાસેની ડિગ્રી નકલી હોય.


comments powered by Disqus