ગોધરાકાંડ બાદ કાલોલમાં સર્જાયેલા ટેમ્પોકાંડના 39 આરોપી નિર્દોષ

Wednesday 05th April 2023 06:34 EDT
 
 

કાલોલઃ ગુજરાતમાં 2002 ગોધરા રેલવે સ્ટેશન પાસે સાબરમતી ટ્રેન હત્યાકાંડ બાદ ફાટી નીકળેલાં કોમી રમખાણોના દાવાનળની આગમાં કાલોલ શહેર અને દેલોલ ગામમાં ઘટેલા ટેમ્પોકાંડના કેસમાં હાલોલ સેશન્સ કોર્ટે 20 વર્ષથી વધુ સમય ચાલેલી ન્યાયિક લડતને અંતે શુક્રવારે બે મહિલા સહિત તમામ 39 આરોપી નિર્દોષ હોવાનો ચુકાદો જાહેર કર્યો હતો.
પંચમહાલના કાલોલ શહેરમાં ફાટી નીકળેલાં રમખાણોની ઘટનાઓ અંગે પોલીસે કાલોલ ખાતે ઊભા કરવામાં આવેલા રાહત કેમ્પની મુલાકાતો દરમિયાન અસરગ્રસ્તોનાં નિવેદનોને આધારે સરકારી રાહે દાખલ કરેલી આ કેસની ફરિયાદની વિગતો મુજબ તા. 1 માર્ચ 2002ના રોજ દેલોલ ગામ ખાતે વસવાટ કરતા લોકો પર આજુબાજુના ગામના લોકોએ કરેલા હુમલાથી બચવા માટે 38 વ્યક્તિઓ જીવ બચાવવા માટે એક ટેમ્પોમાં બેસીને દેલોલથી કાલોલ આવતા હતા ત્યારે ટોળાએ હુમલો કરતાં ટેમ્પો પલટી ખાઈ જતાં 11 વ્યક્તિનાં મોત નીપજ્યાં હતાં. પોલીસે 39 શકમંદ આરોપી વિરુદ્ધ કેસ દાખલ કરી તમામની ધરપકડ કરી હતી.
આ કેસની ચાર્જશીટ બાદ હાલોલ સેશન્સ કોર્ટમાં કેસ ચાલ્યો હતો. છેલ્લાં 20 વર્ષથી ચાલેલી ન્યાયિક તપાસ પુરાવાઓની ચકાસણી અને કેસની લડત લડતા વકીલોની દલીલો તેમજ ફરિયાદ પક્ષ ગુનો સાબિત કરવામાં સફળ ન થતાં તમામ 39 આરોપીને નિર્દોષ જાહેર કરાયા હતા. નિર્દોષ જાહેર થયેલા 39 આરોપીઓ પૈકી 13નાં મૃત્યુ થઈ ચૂક્યાં છે.


comments powered by Disqus