બેટ દ્વારકાઃ સિગ્નેચર બ્રિજ ઓક્ટોબરમાં પૂર્ણ થશેઃ મુખ્યમંત્રી

Wednesday 05th April 2023 06:17 EDT
 
 

જામનગરઃ ઓખા અને બેટ દ્વારકાને જોડતા મહત્ત્વાકાંક્ષી સિગ્નેચર બ્રિજનું કામ ઓક્ટોબરમાં પૂર્ણ થશે તેમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે દેવભૂમિ દ્વારકાની મુલાકાત દરમિયાન જણાવ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી દેવભૂમિ દ્વારકા જિલ્લાની મુલાકાતે આવ્યા હતા. તેઓએ બેટ દ્વારકા તથા હર્ષદ માતાજીનાં દર્શન કર્યાં હતાં.
મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રીએ દરિયાઈ સુરક્ષાની દૃષ્ટિએ મહત્ત્વના બેટ દ્વારકાની રૂબરૂ મુલાકાત લઈ તંત્ર દ્વારા થયેલી ગેરકાયદે દબાણ દૂર કરવા અંગેની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રીએ ગુજરાતના 1600 કિલોમીટરના દરિયાકાંઠા પર સુરક્ષાની દૃષ્ટિએ મહત્ત્વના પોઇન્ટ અને તે વિસ્તારોમાં પોલીસ-રેવન્યુ ખાતાની કાર્યવાહીની સમીક્ષા કરી હતી.
મુખ્યમંત્રીએ કહ્યું કે, વડાપ્રધાન મોદીએ ગુજરાતમાં સ્થાપેલા સુરક્ષા, શાંતિ, સલામતીના મજબૂત પાયાને સુદ્રઢ રાખવા રાજ્ય સરકાર મક્કમ છે. વિકાસકામોને આડે આવતી ગેરકાયદે દબાણ સહિતની ગેરકાયદે પ્રવૃત્તિ આગળ વધતી અટકાવાશે અને કાયદાકીય રીતે કડક પગલાં લઈ દૂર કરાશે.


comments powered by Disqus