રામનવમીથી શરૂ થયેલી હિંસામાં દિવસો સુધી સળગ્યું બિહારઃ લોકોએ હિજરત કરી

Wednesday 05th April 2023 07:12 EDT
 
 

સાસારામઃ રામનવમીની શોભાયાત્રા દરમિયાન થયેલા પથ્થરમારા, તોડફોડ અને આગચંપી બાદ બિહારના ઐતિહાસિક નગર રોહતાસના સાસારામ અને નાલંદાના બિહાર શરીફમાં હિંસા ભડકી ઊઠી. 30 માર્ચે ગુરુવારે રામનવમીની શોભાયાત્રાથી શરૂ થયેલી હિંસા દિવસો સુધી યથાવત્ રહેતાં બંને ઐતિહાસિક નગરોમાં તણાવનું વાતાવરણ સર્જાયું હતું. સ્થિતિ ત્યાં સુધી વણસી હતી કે બંને શહેરના સેંકડો લોકો પોતાનું ઘર છોડી પલાયન થવા મજબૂર બન્યા હતા.
બિહારમાં રામનવમીના દિવસે શોભાયાત્રા દરમિયાન તણાવનું વાતાવરણ ઊભું થયું. તો રામનવમીના બીજા દિવસે એટલે કે 31 માર્ચે પણ સાસારામમાં પથ્થરમારો અને આગચંપીની ઘટના નોંધાઈ. તે બાદ નાલંદા પણ કોમી હિંસાની આ આગમાં લપેટાયું હતું. નાલંદામાં સ્થિતિ ત્યારે વણસી જ્યારે પથ્થરમારા બાદ ફાયરિંગ પણ કરવામાં આવ્યું. આ ફાયરિંગમાં 5 લોકોને ગોળી વાગી ગઈ. 1 એપ્રિલની સ્થિતિમાં બંને શહેરમાં તણાવભરી શાંતિ જોવા મળી.
નાલંદામાં બે જૂથની અથડામણ બાદ બંને તરફથી પથ્થરમારો કરાયો અને ત્યારબાદના ફાયરિંગમાં 5 લોકોને ગોળી વાગી. ત્યારબાદ જોતજોતામાં જ ઉશ્કેરાયેલાં જૂથો દ્વારા વાહનોમાં આગચંપી કરવામાં આવી હતી, તો લારીઓને ઊધી કરી નુકસાન કરવામાં આવ્યું હતું.
સાસારામમાં પણ બિહાર શરીફની જેમ શુક્રવારે બપોરે શોભાયાત્રા દરમિયાન થયેલી અથડામણ બાદ શહેર સળગી ઊઠ્યું હતું. ઉપદ્રવીઓ દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો, વાહનોની તોડફોડ અને આગચંપી કરાઈ અને દુકાનોમાં લૂંટ કરવામાં આવી.
સંભાજીનગરમાં પણ રામનવમીએ હિંસા
મહારાષ્ટ્રના ઔરંગાબાદનું નામ બદલીને છત્રપતિ સંભાજીનગર કરાયાના એક મહિના બાદ તણાવભરી સ્થિતિ સર્જાઈ છે. અહીંના કિરાડપુરામાં યુવકોનાં બે જૂથ રામનવમીના અવસર પર સામસામે ટકરાયાં હતાં, જે બાદ હિંસા ફાટી નીકળી હતી. તોફાની ટોળાએ પોલીસ પર હુમલો કરી પોલીસ વાહનો પર પથ્થરમારો કર્યો હતો. હુમલામાં બે પોલીસકર્મી સહિત પાંચથી છ લોકો ઘાયલ થયા હતા.
ગુરુવારે રામનવમી નિમિત્તે શહેરના અનેક વિસ્તારોમાં કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. કિરાડપુરા વિસ્તારમાં આવેલા રામમંદિરમાં પણ તૈયારીઓ ચાલી રહી હતી. રાત્રે 11:30 વાગ્યાની આસપાસ યુવાનોનું ટોળું મંદિર તરફ ધસી આવ્યું, જ્યાં અન્ય જૂથ સાથેના ઝઘડા બાદ મંદિર તરફ પથ્થરમારો કર્યો. કેટલાક લોકો પોતાનો જીવ બચાવવા મંદિરમાં ઘૂસ્યા હતા. સ્થિતિ કાબૂમાં લેવા આવેલી પોલીસનાં વાહનોને પણ ટોળાએ આગ ચાંપી હતી.


comments powered by Disqus