વડોદરાઃ રામનવમી નિમિત્તે દેશભરમાં ઠેરઠેર ઉજવણી થઈ, ત્યારે વડોદરાના ફતેપુરામાં રામનવમી નિમિત્તે નીકળેલી ભગવાન રામની શોભાયાત્રા પર કેટલાંક અસામાજિક તત્ત્વો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો. વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળ દ્વારા યોજવામાં આવેલી ભગવાન શ્રીરામની શોભાયાત્રા ફતેપુરા પાંજરીગર મહોલ્લા પાસે પહોંચી તે સમયે આ હુમલો કરવામાં આવ્યો હતો. બપોરે 1:30 વાગ્યે શોભાયાત્રા પર થયેલા હુમલા બાદ સાંજે ફરી શોભાયાત્રા કાઢવામાં આવતાં 5:42 વાગ્યે પણ પથ્થરમારો કરવામાં આવ્યો હતો.
શોભાયાત્રા પર અસામાજિક તત્ત્વો દ્વારા પથ્થરમારો થતાં અફરાતફરીનું વાતાવરણ સર્જાયું હતું. આ તોફાની ટોળા દ્વારા ત્યાં રોડ પર હાજર લારીઓની પણ તોડફોડ કરવામાં આવી હતી. એકાએક આ પ્રકારે કોમી ભડકો થતાં ડરના કારણે બજારો તુરંત જ બંધ થઈ ગયાં હતાં.
પોલીસે તાકીદે લીધાં પગલાં
ફતેપુરામાં ઘટનાની ગણતરીની મિનિટોમાં પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને સ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. શહેર પોલીસ કમિશનર દ્વારા આ અંગે સીટની રચના કરી તપાસ હાથ ધરવામાં આવી છે. જે અંતર્ગત 45 આરોપીની ઓળખ કરી 23ની ધરપકડ કરવામાં આવી છે.
પૂર્વ આયોજિત કાવતરું
ફતેપુરા પાંજરીગર મહોલ્લામાં પથ્થરમારા બાદ પૂર્વ કાવતરારૂપે સાંજે 4 વાગ્યે નીકળેલી કુંભારવાડાની શોભાયાત્રા પર પણ 3 સ્થળે પથ્થરમારો કરવામાં આવ્યો હતો, જેમાં 4 જવાનો ઘાયલ થયા હતા. શોભાયાત્રા પર ધૂળધોયા મસ્જિદમાંથી પથ્થરમારા બાદ યાકુતપુરા, માંડવી અને ખજૂરી મસ્જિદ પાસે પણ પથ્થરમારો કરાયો હતો. જેમાં 4 પોલીસ કર્મચારી ઘાયલ થયા હતા. પોલીસે પણ સ્થિતિને કાબૂમાં લેવા ટિયરગેસના શેલ છોડ્યા હતા.
વિહિપના સહમંત્રીની પણ ધરપકડ
રામનવમીના દિવસે શોભાયાત્રા દરમિયાન પથ્થરમારા બાદ શોભાયાત્રાના આયોજક અને શહેર વિહિપના સહમંત્રી રોહન શાહે ભડકાઉ ભાષણ આપતાં તેમની ધરપકડ કરાઈ છે. રોહન શાહે નિવેદન આપ્યું હતું કે, ‘રામયાત્રા પર પથ્થરમારો કરનારાને છોડીશું નહીં. અમારા એકપણ કાર્યકરની ધરપકડ થશે તો વડોદરા ભડકે બળશે. દેશવિરોધીઓને 2002નાં તોફાનો યાદ અપાવી દઈશું.’ પથ્થરમારાની તપાસ માટે પોલીસની ખાસ સમિતિ રચાઈ હતી, પરંતુ એક જ કોમના લોકોની ધરપકડ કરી હોવાનો આરોપ લગાવાયો છે. દરમિયાન પોલીસે શનિવારે વિહિપના સહમંત્રી રોહન શાહ સહિત અન્યો સામે ગુનો નોંધી રોહન શાહની ધરપકડ કરી છે.

