વિમાનમાં આતંકવાદી હોવાની બૂમો પાડી રિક્ષાચાલક પ્લેન સુધી પહોંચી ગયો

Wednesday 05th April 2023 06:24 EDT
 
 

રાજકોટઃ રાજકોટના એરપોર્ટ પર આજે બપોરે ચિક્કાર દારૂ પીને એક રિક્ષાચાલકે સીઆઇએસએફ્ની અભેદ્ય સુરક્ષા ભેદી નાખી હતી અને વીઆઇપી ગેટ તોડી વિમાન પાસે પહોંચી જતાં અફરાતફરી મચી ગઈ હતી. જો કે પોલીસે તેની ધરપકડ કરી હતી અને તપાસ કરતાં કંઈ સંદિગ્ધ ન હોવાનું જાહેર થતાં મુસાફરો સહિત સુરક્ષા કર્મીઓને હાશકારો થયો હતો. વિમાનમાં આતંકી હોવાથી તેને રોકવા આવ્યો હતો તેવું કહેતાં પોલીસ દોડતી થઈ ગઈ હતી.
રાજકોટ એરપોર્ટ પર બેંગલુરુથી 2.35 વાગ્યે ફ્લાઇટ આવી ત્યારે એક રિક્ષાચાલકે વીઆઇપી ગેટ તોડી નાખ્યો હતો અને તે પછીના લોખંડના મોટા દરવાજામાં રિક્ષા અથડાતાં તે દરવાજો ખૂલી ગયો હતો અને રિક્ષા રન-વે પાસે રહેલા વિમાન નજીક પહોંચી ગઈ હતી. જે બાદ રિક્ષા ઊભી રાખી દેતાં સીઆઇએસએફના જવાનોએ રિક્ષાચાલકની ધરપકડ કરી હતી અને ગાંધીગ્રામ પોલીસને સોંપ્યો હતો. રિક્ષાનો ચાલક 30 વર્ષીય દીપક ચના જેઠવા નશામાં હોવાનું સામે આવ્યું હતું.
દીપકને ઝડપતાં વિમાનમાં આતંકી હોવાથી તેને રોકવા માટે તે રન-વે સુધી આવ્યો હોવાનું રટણ કરતાં પોલીસે વિમાનમાં તપાસ કરી અને મુસાફરોનું સ્ક્રીનિંગ કર્યું હતું. જો કે તેમાં કંઈ સંદિગ્ધ ન મળતાં તમામે રાહત અનુભવી હતી. આ ઘટનાથી સુરક્ષા વ્યવસ્થા સામે સવાલો ઊભા થયા છે.
બેંગલુરુની ફ્લાઇટ સાડા ત્રણ કલાક મોડી ઉપડી
રાજકોટથી બેંગલુરુની ફ્લાઈટ બપોરે 3:05 વાગ્યે રવાના થાય છે, પરંતુ આજે રિક્ષાચાલક ઘૂસી ફલાઇટ સુધી પહોંચી જતાં વિમાનમાં બેસેલા 147 જેટલા મુસાફરોને નીચે ઉતારી તેમનું સ્ક્રીનિંગ કરાયું અને માલસામાન તપાસાયો હતો. સંપૂર્ણ ચેકિંગ પૂર્ણ થયા બાદ સાંજે 6:25 વાગ્યે ફલાFટ રવાના થઈ હતી, જેથી મુસાફરોને પણ હાલાકી ભોગવવી પડી હતી.


comments powered by Disqus