સંક્ષિપ્ત સમાચાર

Wednesday 05th April 2023 05:53 EDT
 

• ટોચ પર હો ત્યારનું વર્તન સાચું ચારિત્ર્યઃ નારાયણ મૂર્તિઃ અમદાવાદઃ જ્યારે તમે ટોચ પર હોવ, જ્યારે સત્તા અને સંપત્તિ ધરાવો છો ત્યારે તમે કેવું વર્તન કરો છો તે તમારું સાચું ચારિત્ર્ય છે. એમ આઇઆઇએમ-એના 58મા વાર્ષિક પદવીદાન સમારોહમાં મુખ્ય મહેમાન એન.આર. નારાયણ મૂર્તિએ જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે ‘હિંમત, બલિદાન, આશા, આત્મવિશ્વાસ, નવીનતા, સખત પરિશ્રમ, સત્ય, નિષ્પક્ષતા, પારદર્શિતા, જવાબદારી, તપસ્યા, શિસ્ત દ્વારા નેતૃત્વ લીડરનું સૌથી શક્તિશાળી સાધન છે.
• કિરણ પટેલની પત્નીના રિમાન્ડ પૂર્ણઃ જેલમાં મોકલાઈઃ મહાઠગ કિરણ પટેલની પત્ની માલિની પટેલના રિમાન્ડ પૂર્ણ થતાં જેલમાં ધકેલી દેવાઈ છે. ઉલ્લેખનીય છે કે 3 એપ્રિલ સુધીના પાંચ દિવસના રિમાન્ડ પૂરા થતાં શહેર ક્રાઇમબ્રાન્ચે માલિની પટેલને મેટ્રોપોલિટન કોર્ટમાં રજૂ કરી હતી. જ્યાં કોર્ટે માલિની પટેલને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવા હુકમ કર્યો.
• યુએસ એરપોર્ટ પર એર ઇન્ડિયાનો લેન્ડિંગ સ્લોટ રદઃ એર ઇન્ડિયાની શિકાગો, નેવાર્ક અને ન્યૂયોર્કની ફ્લાઇટ રદ કરાઈ રહી છે, કારણ કે અમેરિકાના એરપોર્ટ પર ચાર્જ ન ભરતાં લેન્ડિંગ સ્લોટ રદ કરાયા છે. આ મામલાથી બેખબર યાત્રિકોને ટેકનિકલ અથવા એરક્રાફ્ટ શોર્ટેજનું કારણ આગળ ધરી ફ્લાઇટ રદ કરી દેવામાં આવે છે.
• 6 દેશ માટે કોરોના આરટીપીસીઆર ફરજિયાતઃ ગુજરાત સહિત દેશભરમાં કોરોનાના કેસમાં ફરી ઉછાળો જોવા મળી રહ્યો છે, ત્યારે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા તકેદારીરૂપે ચીન, સિંગાપોર, હોંગકોંગ, કોરિયા, થાઇલેન્ડ અને જાપાનના મુસાફરોને આરટીપીસીઆર ટેસ્ટ બાદ જ ગુજરાતમાં પ્રવેશ મળશે.
• રાજ્યમાં 5 એસીએસ સહિત 105 આઇએએસની બદલીઃ ગુજરાત સરકારે ધારણા પ્રમાણે બજેટ સત્ર પૂર્ણ થયા બાદ ગણતરીના કલાકોમાં રાજ્યના વહીવટીતંત્રમાં ધરમૂળથી ફેરફારો કરતાં સચિવ કક્ષાના 5, આસિસ્ટન્ટ કલેક્ટર કક્ષાના 9 અધિકારી અને 105 આઇએએસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે.


comments powered by Disqus