• કેરળમાં ચાલુ ટ્રેનમાં આગ ચાંપવાની ઘટનામાં ત્રણનાં મોત, આતંકી હુમલાની શંકાઃ તિરુવનંતપુરમઃ કેરળમાં ચાલતી ટ્રેનમાં આગ લગાવવાની એક અસામાન્ય ઘટનામાં એક બાળક સહિત કુલ ત્રણ લોકોનાં મોત થયાં છે. ટ્રેનમાં આગ લાગવાની ઘટનાની તપાસ માટે સીટની રચના કરાઈ છે. ઘટનાનો સંબંધ આતંકવાદ સાથે છે કે નહીં તેની તપાસ હાથ ધરાઈ છે.
• રોડ રેજ કેસમાં સજા કાપી નવજોતસિંહ સિદ્ધુ જેલમુક્તઃ રોડ રેજ કેસમાં એક વર્ષની સજા કાપ્યા બાદ શનિવારે કોંગ્રેસ નેતા અને ભૂતપૂર્વ ક્રિકેટર નવજોતસિંહ સિદ્ધુ જેલની બહાર આવ્યા હતા. નોંધનીય છે કે, ત્રણ દાયકા જૂના રોડ રેજ કેસમાં સુપ્રીમ કોર્ટે સિદ્ધુને એક વર્ષની જેલની સજા સંભળાવી હતી. સિદ્ધુએ કહ્યું કે પંજાબમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવાનું કાવતરું રચાય છે.
• સુરત બાદ પટના કોર્ટ રાહુલને આપી શકે આંચકોઃ માનહાનિ કેસમાં સમન્સ મોકલાવાયુંઃ પટનાઃ સુરત કોર્ટમાંથી સજા મળ્યા બાદ બિહારના પટનાની એક કોર્ટે રાહુલ ગાંધીને માનહાનિ કેસમાં સમન્સ મોકલાવ્યું છે. હજુ ગત અઠવાડિયે જ રાહુલને સુરત સેશન્સ કોર્ટ દ્વારા 2 વર્ષની સજા સંભળાવ્યા બાદ પટના કોર્ટ દ્વારા શું નિર્ણય લેવામાં આવે છે તેના પર સહુકોઈની નજર છે.
• કર્ણાટકમાં વિધાનસભાની ચૂંટણી જાહેર 10 મેએ મતદાનઃ કર્ણાટક વિધાનસભાની ચૂંટણીનું 10 મેના દિવસે એક જ તબક્કામાં મતદાન થશે. જ્યારે પરિણામ 13 મેએ જાહેર કરવામાં આવશે. 224 સભ્યોની વિધાનસભામાં હાલમાં ભાજપની પાસે 119, કોંગ્રેસની પાસે 75 અને જેડી-એસની પાસે 28 ધારાસભ્યો છે. બે સીટ ખાલી છે.
