સોમનાથમાં સૌરાષ્ટ્ર-તમિલ સંગમ: હજાર વર્ષ પહેલાં છૂટા પડેલા કુળ-મૂળનું મિલન

Wednesday 05th April 2023 06:15 EDT
 
 

રાજકોટઃ 1024ની સાલમાં મોહમ્મદ ગઝનીના આક્રમણ સમયે દરિયાઈ માર્ગે સોમનાથ – પ્રભાસપાટણ વેરાવળ અને આસપાસથી સૌરાષ્ટ્રવાસીઓએ સામૂહિક હિજરત કરી હતી, જે વિશ્વની સૌથી મોટી હિજરત પૈેકી એક ગણાય છે. એ વખતે સૌરાષ્ટ્રવાસીઓએ દરિયાઈ માર્ગે ખંભાત, ભરૂચ અને ત્યારબાદ વિજયનગર, મદુરાઈ, બેંગ્લોર સહિતના નગરમાં આશ્રય લીધો હતો. આ હિજરતીઓ સૌરાષ્ટ્રના મૂળથી છૂટા પડ્યા હતા અને તેમણે સૌરાષ્ટ્રવાસી તરીકેનું મૂળ એક હજાર વર્ષ પછી પણ જાળવી રાખ્યું છે. ત્યારે આગામી 17 એપ્રિલથી 30 એપ્રિલ સુધી સોમનાથ ખાતે સૌરાષ્ટ્ર-તમિલ સંગમ કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે, જેમાં હજાર વર્ષ પહેલાં સૌરાષ્ટ્રથી છૂટા પડેલા લોકોના કુળ–મૂળનું મિલન થશે.
આ કાર્યક્રમ માટે તમિલનાડુથી 25 હજાર કરતાં વધુ લોકોનું રજિસ્ટ્રેશન થયું છે. જેમાં પસંદગીના 5 હજાર જેટલા લોકોને ટ્રેન મારફતે સોમનાથ લાવવામાં આવશે. આ લોકોને દ્વારકા પણ લઈ જવાશે. આ રીતે 30 એપ્રિલ સુધી તબક્કાવાર 5 હજાર જેટલા મૂળ સૌરાષ્ટ્રના અને હાલ તામિલનાડુમાં સ્થાયી થયેલા લોકોને સૌરાષ્ટ્ર – તમિલ સંગમમાં સહભાગી બનાવવામાં આવશે. આ કાર્યક્રમ માટે કેન્દ્ર સરકારનો સહયોગ મળશે, તો રાજ્ય સરકાર દ્વારા પણ તેમના રહેવા - જમવા સહિતનો ખર્ચ ઉઠાવાશે તેમ ઋષિકેશ પટેલે જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે આ કાર્યક્રમ અનુસંધાને તામિલનાડુમાં 25 માર્ચના રોજ રોડ-શો થયો હતો.
સૌરાષ્ટ્ર – તમિલ સંગમ કાર્યક્રમ ઊડતી નજરે
• વર્ષ 2005માં નરેન્દ્ર મોદીના ધ્યાનમાં આ હકીકત આવી હતી. ત્યારબાદથી આ વિશે સંશોધન થયા હતા.
• તામિલનાડુમાં સૌરાષ્ટ્રના 25 લાખથી વધુ લોકો વસવાટ કરી રહ્યા છે. • તેઓ તામિલનાડુથી ઈષ્ટદેવ સોમનાથના દર્શન કરવા આવે છે, અહીંયાથી ભાવનગર ખાતે નિષ્કલંક (નકલંક) મહાદેવનાં દર્શને પણ અચૂક જાય છે. સોમનાથ મંદિર પાસે દૈત્યસુદન તેમના મુખ્ય આરાધ્ય દેવ છે. તેના દર્શન પણ કરે છે. • આટલાં વર્ષો પછી પણ તામિલનાડુમાં સ્થાયી થયેલા સૌરાષ્ટ્રના લોકોએ આપણી પરંપરા ભૂલી નથી. લગ્નપ્રસંગે વર – કન્યા પરસ્પરને કુળ – મૂળ પૂછે ત્યારે તેઓ બોલે છે કે અમે સૌરાિષ્ટ્રયન છીએ. • સૌરાષ્ટ્ર – તમિલ સંગમ કાર્યક્રમનો હેતુ અહીંથી છૂટા પડીને તામિલનાડુ વસેલા લોકો સાથે સાંસ્કૃતિક, સાહિત્યિક, શૈક્ષણિક, આર્થિક વગેરે રીતે જોડાણ સાધવાનો છે. • તામિલનાડુમાં વસતા સૌરાષ્ટ્રના લોકો વણાટકામ માટે પ્રખ્યાત છે, તેમને જેતપુરના સાડી ઉદ્યોગ સાથે જોડવા પ્રયાસ કરાશે.
તામિલનાડુ સ્થિત સૌરાષ્ટ્રના વ્યક્તિવિશેષનું સન્માન કરાશે
• તામિલનાડુ સ્થિત સૌરાષ્ટ્રના વ્યક્તિ વિશેષોનું સન્માન આ કાર્યક્રમમાં કરવામાં આવશે. • આ કાર્યક્રમમાં ગેસ્ટ્રોલોજિસ્ટ તરીકે વિશ્વવિખ્યાત મૂળ સૌરાષ્ટ્રના એવા પદ્મશ્રી ડો. ચંદ્રશેખર, હાલમાં હ્યુસ્ટનસ્થિત સાહિત્યકાર રાધા પરશુરામન, વિદેશમાં એલચી તરીકે ફરજ બજાવનારા આઇએએસ અધિકારી, ભારતીય સંસદના જનસંપર્ક અધિકારી શ્રીગણેશ, હાઇકોર્ટના જજ કેડરના પાંચ અધિકારી સહિત 30 જેટલા પ્રતિભાશાળી લોકોનું સન્માન કરાશે. • મૂળ સૌરાષ્ટ્રના ઉપરાંત મૂળ તામિલનાડુના લોકો પણ આ કાર્યક્રમમાં ભાગ લેવા આવશે.


comments powered by Disqus