આતંકવાદના ખતરાને કેટલાક દેશોએ પોલિસી બનાવીઃ એસસીઓમાં પ્રધાનમંત્રી

Wednesday 05th July 2023 06:56 EDT
 
 

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી શાંઘાઈ કો.ઓપરેશન સમિટનું વર્ચ્યુઅલ સમિટનું આયોજન કરી રહ્યા છે. પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને એમાં ભાગ લીધો. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું, કેટલાક દેશો આતંકવાદીઓને શરણ આપે છે. આ ક્ષેત્રીય શાંતિ માટે મોટું જોખમ છે. આતંકવાદ પર બેવડા માપદંડ માટે કોઈ જગ્યા નથી. 8 સ્થાયી સભ્યો ધરાવતા એસસીઓની રચના 2001માં થઈ હતી, જેમાં ભારત 2017માં જોડાયું હતું.
મોદીના ભાષણની 3 મોટી વાત
1. એસસીઓ અમારો પરિવાર
પીએમ મોદીએ કહ્યું, ભારતનો સિદ્ધાંત છે કે આખી દુનિયા એક પરિવાર છે. અમે એસસીઓને પણ અમારું કુટુંબ માનીએ છીએ. અમે SCO દેશોના યુવાનોની પ્રતિભાને ઉજાગર કરવા માટે ઘણા કાર્યક્રમો કર્યા છે.
2. આતંકવાદ પ્રાદેશિક શાંતિ માટે જોખમ
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, કેટલાક દેશો તેમની નીતિઓમાં સરહદ પારના આતંકવાદને સ્થાન આપે છે. આતંકવાદીઓને શરણ આપે છે. આતંકવાદ પ્રદેશની શાંતિ માટે જોખમ છે. આવી બાબતોમાં અમે બેવડાં ધોરણો રાખવા માગતા નથી.
3. અફઘાનિસ્તાનમાં માનવતાવાદી સહાયની પ્રાથમિકતા
અફઘાનિસ્તાન પર ભારતની ચિંતા અન્ય એસસીઓ સભ્યો જેવી જ છે. અફઘાનિસ્તાનના નાગરિકોને માનવ સમાનતા, મહિલાઓ અને બાળકોના અધિકારો તથા લઘુમતીઓની સુરક્ષા એ સહિયારી પ્રાથમિકતા છે.
પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું કે, એસસીઓ સંબંધિત ભારતની ત્રણ મુખ્ય નીતિ છે. જેમાં રશિયા સાથે સંબંધો મજબૂત કરવા, પાડોશી દેશો ચીન અને પાકિસ્તાનના વર્ચસ્વ પર લગામ મૂકવી અને જવાબ આપવો અને મધ્ય એશિયાના દેશો સાથે સહકાર વધારવો મુખ્ય છે. એસસીઓમાં જોડાવાના ભારતના મુખ્ય ધ્યેયો પૈકી એક તેના મધ્ય એશિયન રિપબ્લિકના ચાર સભ્યો - કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન, તઝાકિસ્તાન અને ઉઝબેકિસ્તાન સાથે આર્થિક સંબંધોને મજબૂત કરવાનો છે.
2017માં એસસીઓમાં સામેલ થયા બાદ આ મધ્ય એશિયાઈ દેશો સાથે ભારતનો વેપાર વધ્યો છે. 2017-18માં આ ચાર દેશ કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન, તઝાકિસ્તાન અને ઉઝબેકિસ્તાન સાથે ભારતનો વેપાર રૂ. 11 હજાર કરોડ હતો, જે 2019-20માં વધીને રૂ. 21 હજાર કરોડ રૂપિયાથી વધુ થઈ ગયો છે. આ સમયગાળા દરમિયાન ભારત સરકાર અને ખાનગી કંપનીઓએ પણ આ દેશોમાં સોનાનું ખાણકામ, યુરેનિયમ, પાવર અને એગ્રો-પ્રોસેસિંગ એકમોમાં રોકાણ કર્યું હતું.
એસસીઓની એકતા અંગે પ્રશ્નો
એસસીઓનો ભાગ બનેલા ભારત અને પાકિસ્તાન વચ્ચે કાશ્મીર મુદ્દે લાંબા સમયથી તણાવ ચાલી રહ્યો છે, જ્યારે સરહદ વિવાદને લઈને ભારત અને ચીન વચ્ચે ટકરાવ ચાલી રહ્યો છે. આટલું જ નહીં એસસીઓમાં સામેલ ચાર મધ્ય એશિયાઈ દેશો વચ્ચે વિવાદ થયો છે, તેથી વિશ્વની સૌથી મોટી પ્રાદેશિક સંસ્થા હોવા છતાં એસસીઓ યુરોપિયન યુનિયન અને નાટો જેવું શક્તિશાળી સંગઠન બન્યું નથી.


comments powered by Disqus