કાપડ, સૂતર ઉદ્યોગના પાયાના પથ્થર સમાજસેવી કાંતિભાઈ કે. શેઠનું અવસાન

Wednesday 05th July 2023 06:33 EDT
 
 

રાજકોટઃ કાપડ તથા સૂતર ઉદ્યોગના પાયાના પથ્થર, સમાજ ચેતનાના હિમાયતી અને પ્રણેતા આજીવન સમાજસેવક કાંતિભાઈ કે. શેઠનું 100 વર્ષની વયે 28 જૂને તેમના મુંબઈ મુકામે નિધન થયું છે. મૂળ પાટણવાવના વતની કાંતિભાઈ શેઠ 1948માં મુંબઈમાં સ્થાયી થયા હતા. મુંબઈમાં તત્કાલીન સમયમાં બી.એસસી. કર્યું હતું અને કાપડ, સૂતર ઉદ્યોગો સાથે જોડાયા હતા.
શરૂઆતમાં સાઉથમાં કાપડની મિલ સ્થાપી. ત્યારબાદ 1963માં મોરબીમાં અરુણોદય તથા વાંકાનેર અને ચરાડવા રોડ પર અન્ય બે કાપડ મિલની સ્થાપના કરી હતી. તેઓને અનેક એક્સપોર્ટના એવોર્ડ પણ મળ્યા હતા.
કાંતિભાઈ શેઠ સમાજસેવાના ભિષ્મ પિતામહ કહી શકાય. રાજકોટમાં કાન્તા ત્રીવિકાસ ગૃહ, જી.ટી. શેઠ ઓર્થોપેડિક હોસ્પિટલ, કે.કે. શેઠ ફિઝિયોથેરાપી કોલેજ, એચ.ટી. ચિકિત્સાલય, શાંતિ શેઠની હોસ્પિટલ, એચ.કે. શેઠ પ્રાથમિક શાળા વગેરે સંસ્થાઓના ચેરમેન તરીકે તેમજ જી.ટી. શેઠ કેન્સર હોસ્પિટલ, જી.ટી. શેઠ વિદ્યાલય, જી.ટી. શેઠ પુસ્તકાલયના ટ્રસ્ટી તરીકે આજીવન કાર્યરત્ હતા.
કાંતિભાઈએ તેમના પિતાની યાદમાં ‘શ્રી કેશવલાલ તલકચંદ શેઠ બાળકોની હોસ્પિટલ’ તેમજ તેમના કાકાની યાદીમાં ‘શ્રી ગુલાબચંદ તલકચંદ શેઠ આંખની હોસ્પિટલ’ તૈયાર કરાવી સરકારને સમાજસેવા માટે નિઃસ્વાર્થ અર્પણ કરી હતી.


comments powered by Disqus