કેનેડા જતી વૃદ્ધાનું અમદાવાદમાં 10 તોલા સોનું ચોરાયું

Wednesday 05th July 2023 06:00 EDT
 
 

અમદાવાદઃ અમદાવાદથી કેનેડા જતી એક વૃદ્ધ મહિલાની હેન્ડબેગમાંથી 10 તોલા સોનાનાં ઘરેણાંની ચોરી થવાની ફરિયાદ નોંધાઈ છે.
મણિનગર વિસ્તારમાં રહેતી વૃદ્ધ મહિલા કેનેડા રહેતા દીકરાને મળવા અમદાવાદથી રવાના થઈ હતી. તેના દીકરાના ઘરે સંતાન આવ્યાની ખુશીમાં વૃદ્ધાએ 10 તોલા સોનું ખરીદ્યું હતું. કેનેડા જવા તેઓ અમદાવાદથી મુંબઈની ફ્લાઇટ પકડી કેનેડા જવાનાં હતાં. અમદાવાદના એરપોર્ટ સ્ટાફે મુંબઈ જતી મહિલાને હેન્ડ બેગને પણ ચેક ઇન લગેજમાં મુકાવી હતી. મહિલા જ્યારે મુંબઈ એરપોર્ટ પર પહોંચ્યાં ત્યારે બેગને ખોલીને જોયું તો 10 તોલાનું સોનું ગાયબ હતું. આ અંગે મુંબઈ એરપોર્ટના સ્ટાફને વાત કરતાં તેઓએ અમદાવાદ એરપોર્ટ પર ફરિયાદ નોંધાવવા જણાવ્યું હતું. આ અંગે અમદાવાદ એરપોર્ટ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવામાં આવશે તેવી માહિતી સૂત્રોએ આપી હતી.


comments powered by Disqus