અમદાવાદઃ છેલ્લાં 10 દિવસ દરમિયાન અમદાવાદ સહિત રાજ્યમાં ચોમાસું કાર્યરત થતાં રાજ્યના મોટાભાગનાં શહેરોમાં હળવોથી મધ્યમ તેમજ કેટલાંક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ પડ્યો છે. જેને પગલે અમદાવાદમાં સામાન્ય કરતાં 52 ટકા અને ગુજરાતમાં 134 ટકા વધુ વરસાદ પડ્યો હોવાનું હવામાન વિભાગના આંકડા પરથી જાણવા મળ્યું છે. હવામાન વિભાગના આંકડા મુજબ અમદાવાદમાં 1 જૂનથી 30 જુલાઈ સુધીમાં 112 મિ.મી. વરસાદ પડતો હોય છે, પરંતુ સતત પાંચ દિવસ અવિરત વરસાદ પડ્યો હતો, જેના કારણે અમદાવાદમાં 170 મિ.મી. વરસાદ વરસ્યો છે. ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં સામાન્ય કરતાં 134 ટકા વધુ વરસાદ પડ્યો છે.
સૌરાષ્ટ્ર-કચ્છમાં આભ ફાટ્યું
સૌરાષ્ટ્ર-કચ્છમાં સતત બે દિવસ અનરાધાર વરસાદ વરસ્યો હતો. વિસાવદરમાં સાંબેલાધાર વરસાદથી 20, અંજારમાં 17 અને જામનગરમાં 13 ઈંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. જૂનાગઢમાં બે દિવસમાં 15 ઈંચ, ગિરનાર પર બે દિવસમાં 20 ઇંચ વરસાદથી સ્થાનિક નદીઓ બેકાંઠે જોવા મળી હતી.
ગાંધીધામ, ધ્રોલ, જોડિયામાં પણ એકસાથે આઠ ઈંચ વરસાદ વરસ્યો હતો. જામનગર શહેરમાં તોફાની વરસાદથી મંદિરની દીવાલ અને તળાવની દીવાલ ધસી પડી હતી. આ સ્થિતિના પગલે 22 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. હાલારમાં જળાશયોમાં ધસમસતા નીરમાં જુદી-જુદી દુર્ઘટનામાં 6 લોકો ડૂબ્યા હતા, જેમાંથી 4નાં મૃત્યુ થયાં છે. આ ઉપરાંત શુક્રવારે સવારે 6 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધીમાં અંજારમાં વધુ 233 મિ.મી. તેમજ ગાંધીધામમાં 113 મિ.મી. વરસાદ નોંધાયો હતો.
ઘેડ વિસ્તારને મેઘરાજાએ ધમરોળ્યું
28 જૂનથી 30 જૂન સુધી સતત ત્રણ દિવસથી પડેલા અવિરત વરસાદના કારણે જૂનાગઢ શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં પાણી ઘૂસ્યાં હતાં, તો ઘેડના સરાડિયા, કોયલાણા, મરમઠ અને લીંબોડાં જેવાં ઘણાં ગામ સંપર્કવિહોણા બન્યાં હતાં. માણાવદરના ઘેડ વિસ્તારમાં ગામના પાદર નદીના પટમાં ફેરવાયાં હોય તેવાં દૃશ્યો સર્જાયાં હતાં. ઉપરવાસમાં ભારે વરસાદ પડતાં ઘેડ પંથકનાં અનેક ગામોમાં પાણી ભરાયાં હતાં. ઓઝત નદીનો પાળો તૂટતાં ઘેડ વિસ્તારના ગ્રામ્ય પંથકનાં ગામોમાં જીવન અસ્તવ્યસ્ત બન્યું છે.
છોટાઉદેપુરમાં બારેમેઘ ખાંગા
હવામાન ખાતાની આગાહી મુજબ 2 જુલાઈએ મોડી રાત્રે છોટાઉદેપુર અને પાવી જેતપુરમાં વરસાદ તૂટી પડ્યો હતો. પાવી જેતપુરમાં રાત્રે 12થી 2 વાગ્યાના અરસામાં 36 મિ.મી. તેમજ છોટાઉદેપુરમાં 2થી 4 વાગ્યા દરમિયાન 120 મિ.મી. વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદના પગલે છોટા ઉદેપુર તેમજ પાવી જેતપુરના રસ્તા નદીમાં ફેરવાઈ ગયા હતા અને નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયું હતું.
મહીસાગર જિલ્લાના 6 પૈકી 5 તાલુકામાં 2 જુલાઈએ રાત્રે એક ઇંચથી પોણા ચાર ઇંચ સુધી વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ લુણાવાડામાં પોણા ચાર ઇંચ વરસાદ ખાબક્યો હતો.
અમદાવાદમાં પ્રિમોન્સૂનની કામગીરી ફેલ
30 જૂને પડેલા વરસાદે અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનની પ્રિમોન્સૂન કામગીરીની પોલ ખોલી નાખી હતી. સાંજે 6 વાગ્યે શરૂ થયેલા વરસાદમાં વિવિધ વિસ્તારોમાં સવા બે ઇંચથી લઈને 6.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. આ ભારે વરસાદથી શહેરના પશ્ચિમ વિસ્તારના અનેક એરિયામાં પાણી ભરાયાં હતાં. જોધપુર, સેટેલાઇટ, શ્યામલ, પ્રહલાદનગર અને આનંદનગર વિસ્તારમાં 6.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. એકસાથે પડેલા ભારે વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયાં હતાં.
જિલ્લા પ્રમાણે વરસાદ મિ.મી.માં
અમદાવાદમાં 170.2 મિ.મી., આણંદમાં 187.7 મિ.મી., અરવલ્લીમાં 171 મિ.મી., બનાસકાંઠામાં 265.8 મિ.મી., ભરૂચમાં 165.1 મિ.મી., છોટાઉદેપુરમાં 117.4 મિ.મી., દાદરા નગર હવેલીમાં 760 મિ.મી., દાહોદમાં 99.7 મિ.મી., દમણમાં 657.3 મિ.મી., ડાંગમાં 494 મિ.મી., ગાંધીનગરમાં 108.3 મિ.મી., ખેડામાં 233.7 મિ.મી., મહિસાગરમાં 148.6 મિ.મી., મહેસાણામાં 180.5 મિ.મી., નર્મદામાં 198.4 મિ.મી., નવસારીમાં 581.1 મિ.મી., પંચમહાલમાં 158.8 મિ.મી., પાટણમાં 222.3 મિ.મી., સાબરકાંઠામાં 240.1 મિ.મી., સુરતમાં 329.7 મિ.મી., તાપીમાં 380 મિ.મી., વડોદરામાં 157.9 મિ.મી., વલસાડમાં 686 મિ.મી., અમરેલીમાં 305.5 મિ.મી., ભાવનગરમાં 201.4 મિ.મી., બોટાદમાં 217.1 મિ.મી., દેવભૂમિ દ્વારકામાં 381.5 મિ.મી., દીવમાં 522.4 મિ.મી., ગીરસોમનાથમાં 496.7 મિ.મી., જામનગરમાં 406.6 મિ.મી., જૂનાગઢમાં 656.1 મિ.મી., કચ્છમાં 400.7 મિ.મી., મોરબીમાં 201.6 મિ.મી., પોરબંદરમાં 290.8 મિ.મી., રાજકોટમાં 331.9 મિ.મી., સુરેન્દ્રનગરમાં 179 મિ.મી. વરસાદ નોંધાયો છે.

