ડાકોર, વડતાલ, નડિયાદમાં ગૂરુપૂર્ણિમા નિમિત્તે ભક્તોનું ઘોડાપૂર ઊમટ્યું

Wednesday 05th July 2023 06:00 EDT
 
 

નડિયાદઃ નડિયાદ સહિત સમગ્ર જિલ્લામાં સોમવારના રોજ ગુરુપૂર્ણિમાની આસ્થા અને શ્રદ્ધાભેર ઉજવણી થઈ હતી. ગુરુગાદીનાં મંદિરોમાં સવારથી જ ભીડ જોવા મળી હતી. જિલ્લામાં આવેલા મહત્ત્વના ત્રણ તીર્થસ્થાનો પર ભક્તોનું વહેલી સવારથી જ ઘોડાપૂર ઊમટ્યું હતું. ગાદીપતિનાં દર્શન કરી ભક્તોએ ગુરુપૂજન સહિત પાદુકાપૂજન કરી ‘ગુરુદેવો ભવ:’નો મંત્ર સાર્થક કર્યો છે. આ ઉપરાંત જિલ્લાની શૈક્ષણિક સંસ્થાઓમાં પણ આ દિવસની ખૂબ જ ઉલ્લાસભેર ઉજવણી કરાઈ હતી.
યાત્રાધામ ડાકોરમાં રણછોડરાયના દરબારમાં ગુરુપૂર્ણિમા નિમિત્તે ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. ભક્તોએ ડાકોરમાં બિરાજમાન જગતના નાથ અને કૃષ્ણ વંદે જગતગુરુનાં દર્શન ભારે ભીડ લગાવી હતી. ડાકોરમાં પહેલી ગાદી તો રાજાધિરાજની છે. બાકી દંડીસ્વામી ગાદી, નરસિંહજીની ગાદી, સત્યનારાયણ મંદિરની ગાદી, દાઉદજી મંદિરની ગાદી, ત્રિકમજી મંદિરની ગાદી સહિત ડાકોરની 14 ગુરુગાદીઓ પર શિષ્યોની ભારે ભીડ જોવા મળી હતી.
સ્વામિનારાયણ સંપ્રદાયના મુખ્ય તીર્થધામ વડતાલમાં પણ ગુરુપૂર્ણિમાની ભવ્યાતિભવ્ય ઉજવણી કરાઈ હતી. પરમપૂજ્ય આચાર્ય રાકેશપ્રસાદ મહારાજની નિશ્રામાં આ દિવસની ઉજવણી કરાઈ.
આ ઉપરાંત નડિયાદમાં આવેલા સુપ્રસિદ્ધ શ્રી સંતરામ મંદિરમાં પણ પાદુકાપૂજન અને પૂજ્ય રામદાસજી મહારાજના દિવ્ય આશીર્વાદ મેળવી ભક્તોએ ધન્યતા અનુભવી છે. સાથે સાથે પ્રસાદરૂપી કંઠી ગ્રહણ કરી ભક્તોએ ગુરુપૂજનના આ મહિમાની ઉજવણી કરી છે. આ ઉપરાંત શહેરના માઈમંદિર, અંબા આશ્રમ, બ્રહ્મર્ષિ સંસ્કાર ધામમાં પણ આ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.


comments powered by Disqus