ડીસાઃ ટેક્નોલોજીના યુગમાં ડીસા તાલુકાના ધોરણ-12 સાયન્સ પૂર્ણ કરેલા એક કિશોરે પોતાના આઇડિયા થકી એડવાન્સ ડ્રોન બનાવતાં નેશનલ લેવલે તેના આઇડિયેશનની પસંદગી થઈ છે. ઉલ્લેખનીય છે કે દેશભરમાંથી કુલ 700 પ્રોજેક્ટ આવ્યા હતા, એમાંથી પસંદ થયેલા 151 આઇડિયામાં મનીષ માળીના આઇડિયેશનની પસંદગી થઈ છે.
સામાન્ય ડ્રોનમાંથી એડવાન્સ ડ્રોનનો વિચાર આવ્યો: મનીષ
ડ્રોન બનાવનાર મનીષ માળીએ જણાવ્યું હતું કે, બાળપણથી જ મને કંઈક ને કંઈક પ્રોજેક્ટ બનાવવાની ઇચ્છા થતી રહેતી. અગાઉ મેં આયર્નમેન હેન્ડ મશીન, ઇન્જેક્ષનથી કામ કરતું જેસીબી અને ઇન્વર્ટર પણ બનાવ્યું છે, જેનો ઉપયોગ ઘણાં ક્ષેત્રોમાં થઈ શકે. ત્યાર બાદ મેં એક સામાન્ય ડ્રોન બનાવ્યું હતું, જેને લઈ એક કોમ્પિટિશન થઈ હતી. જેથી મને લાગ્યું કે મારે એડવાન્સ ડ્રોન બનાવવું જોઈએ, એટલે મેં એડવાન્સ ડ્રોન બનાવી રોબોફેસ્ટ ગુજરાત 3.0માં ભાગ લીધો હતો. ઓલ ઇન્ડિયા લેવલની આ કોમ્પિટિશન હતી, જેમાં દેશભરમાંથી 700 લોકોએ ભાગ લીધો હતો, જેમાંથી 151 લોકો સિલેક્ટ થયા હતા, જેમાં મારું પણ ડ્રોન સિલેક્ટ થયું છે.
મને રૂ. 50 હજારનું ઇનામ મળ્યું
મારે આગામી એન્જિનિયરિંગના અભ્યાસનાં ચાર વર્ષ દરમિયાન આ ડ્રોનને હજુ વધારે એડવાન્સ લેવલનું બનાવવાનું છે. રોબોફેસ્ટ ગુજરાત 3.0માં ભાગ લેતા આઇડિયોલોજીમાં મારું સિલેક્શન થતાં મને રૂ. 50 હજારનું ઇનામ મળ્યું હતું, જે હવે સેકન્ડ લેવલ પ્રૂફ ઓફ કોન્સેપ્ટ માટે 10 જુલાઈએ અમદાવાદ ખાતે સાયન્સ સિટી જઈ પ્રેઝન્ટેશન આપવાનું છે. સરકારને મારી વિનંતી છે કે આવા પ્રોજેક્ટને સપોર્ટ કરવો જોઈએ.

