દ્વારકાધીશને રૂ. 14 લાખની કિંમતના બે સોનાના હાર અર્પણ

Wednesday 05th July 2023 06:35 EDT
 
 

દ્વારકાઃ ભગવાન દ્વારકાધીશ પર કરોડો શ્રદ્ધાળુઓ અજબ શ્રદ્ધા ધરાવે છે. ઇચ્છિત મનોકામના પૂર્ણ થતાં ભક્તો ભગવાનને ભેટ અર્પણ કરતા હોય છે. આવા બે ભક્ત દ્વારા ભગવાનને 220 ગ્રામ સોના તેમજ 60 ગ્રામ સોનાના હાર અર્પણ કરવામાં આવ્યા છે. જો માત્ર સોનાની કિંમત માર્કેટ પ્રમાણે ગણવામાં આવે તો રૂ. 14.14 લાખ કરતાં પણ વધુની રકમના હાર અર્પણ કરાયા છે.
દ્વારકા જગતમંદિરમાં મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા આવતા હોય છે અને પોતાની મનોકામના પણ માગતા હોય છે. પોતાના મનમાં રહેલી ઇચ્છાઓ શ્રીજી સમક્ષ પ્રસ્તુત કરતા હોય છે અને તે મનોકામનાઓ પરિપૂર્ણ થતાં ફરી એક વખત દ્વારકા જગતમંદિરમાં ભગવાન કાળિયા ઠાકોરનાં ચરણોમાં શિશ ઝુકાવી ધન્યતાની સાથે આભાર પ્રગટ કરતા હોય છે. તેઓ આભારની સાથે ભેટ પણ અર્પણ કરતા હોય છે. આવા જ દ્વારકાધીશના બે અલગ અલગ ભક્તો દ્વારા સોમવારે સોનાના હાર શ્રીજીનાં ચરણોમાં અર્પણ કરવામાં આવ્યા હતા. શ્રી દ્વારકાધીશજીના પરમ ભક્ત દ્વારા સોમવારે શ્રીજીને આશરે 220 ગ્રામ સોનાનો હાર અર્પણ કરાયો હતો. આ સાથે અન્ય એક ભક્ત દ્વારા પણ શ્રીજીને આશરે 60 ગ્રામ સોનાનો હાર અર્પણ કરવામાં આવ્યો હતો.


comments powered by Disqus