ભરૂચઃ ભરૂચ જિલ્લામાં બુલેટ ટ્રેનનો ટ્રેક નાખવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે, ત્યારે આ પ્રોજેક્ટ ભરૂચ જિલ્લાના પરિએજ તથા આસપાસનાં ગામોના ખેડૂતો માટે સમસ્યાનું કારણ છે. અહીં વરસાદી પાણીનો નિકાલ અટકી જતાં ખેતરો પાણીમાં ગરકાવ થઈ ગયાં છે.
પરિએજ ગામના ખેડૂતોના જણાવ્યા અનુસાર પરિએજ ગામમાંથી બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંતર્ગત ટ્રેક નાખવામાં આવી રહ્યો છે. ચોમાસું શરૂ થઈ ચૂક્યું છે પણ વરસાદી પાણીનો નિકાલ અટકી જવાના કારણે ખેતરોમાં પાણીનો ભરાવો થયો છે.
એક વર્ષ અગાઉ ભરૂચ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી કામગીરી દરમિયાન ખેતરમાં ભરાતાં પાણીનો યોગ્ય નિકાલ લાવવા માગ કરવામાં આવી હતી, જે અંગે બુલેટ ટ્રેન પ્રોજેક્ટના અધિકારીઓને પણ જાણ કરાઇ હતી. રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી ન થતાં આજે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. હાલ ખેતરોમાં પાણી ભરાતાં ખેડૂતોમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટના કામને લઈ ભારે આક્રોશ સાથે ખેતરમાં થતા નુકસાનનું વળતર કોણ આપશે એ ધરતીપુત્રો માટે ચિંતાનો વિષય બની ગયો છે.

