ભાજપનું ‘વોશિંગ મશીન’ ફરી શરૂઃ વિપક્ષનો આક્ષેપ

અજિત પવાર, પ્રફુલ્લ પટેલ, હસન અને ભુજબળ સામે ઇડીના કેસ

Wednesday 05th July 2023 06:53 EDT
 
 

મુંબઈ: મહારાષ્ટ્રમાં અજિત પવારના બળવામાં કેન્દ્રીય એજન્સીઓએ પણ ભૂમિકા ભજવી હોવાનો વિપક્ષનો આરોપ છે. વિપક્ષે ભાજપ પર પ્રહારો કરતાં જણાવ્યું હતું કે શાસક પક્ષનું ‘વોશિંગ મશીન’ ફરી ચાલુ થયું છે. ભાજપને હવે ભ્રષ્ટાચારના મુદ્દે બોલવાનો હક નથી, કારણ કે તેણે કલંકિત નેતાઓ સાથે હાથ મિલાવ્યાં છે. ઉલ્લેખનીય છે કે અજિત પવાર સહિતના નેતા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) સહિતની કેન્દ્રીય એજન્સીઓની તપાસનો સામનો કરી રહ્યા છે અને હવે તેઓ ભાજપની ભાગીદારી ધરાવતી સરકારમાં જોડાયા છે.
• અજિત પવારઃ એનસીપીના બળવાના સુકાની અજિત ખુદ સહકારી બેન્ક કૌભાંડ તથા સિંચાઈ કૌભાંડમાં ઈડીના ચોપડે આરોપી તરીકે છે. અજિત સામે મહારાષ્ટ્ર સ્ટેટ કો-ઓપરેટિવ બેન્ક દ્વારા અપાયેલી લોનો સંદર્ભે અરજી થઈ હતી. ઈડી દ્વારા મની લોન્ડરિંગની પણ તપાસ થઈ હતી. અગાઉ, મહાવિકાસ આઘાડી સરકારમાં અજિત નાયબ મુખ્ય પ્રધાન હતા ત્યારે કેસની તપાસ બંધ કરાવવા તત્કાલીન રાજ્ય સરકારે મથામણ કરી હતી, પણ ત્યારે ઈડીએ વિરોધ કર્યો હતો. તે પછી ગયા વર્ષે સરકાર બદલાઈ અને અજિત વિપક્ષમાં આવ્યા ત્યારે ફરી રાજ્ય સરકારે વલણ બદલ્યું હતું અને આ કેસમાં આગળ વધવા સંમત થઈ હતી. જોકે, આ કેસમાં હજુ ચાર્જશીટ થઈ નથી. હવે અજિત ફરી નાયબ સીએમ બની જતાં ફરી આર્થિક ગુના શાખાનું વલણ બદલાઈ શકે છે. રસપ્રદ રીતે થોડા સમય પહેલાં ઈડીએ આ કેસમાં ચાર્જશીટ ફાઈલ કરી ત્યારે અજિતનું નામ આરોપીની યાદીમાં ન હતું. તે પરથી જ અટકળો શરૂ થઈ હતી કે અજિત ભાજપ સાથે ગોઠવાઈ રહ્યા છે.
આ જ રીતે અજિત એનસીપી-કોંગ્રેસની સંયુક્ત સરકારમાં સિંચાઈ પ્રધાન હતા ત્યારે તેમની સામે કૌભાંડના આક્ષેપો થયા હતા. અગાઉ અજિત દેવેન્દ્ર ફડણવીસની સરકારમાં ત્રણ દિવસ માટે નાયબ મુખ્ય પ્રધાન બન્યા ત્યારે તેમણે પહેલું કામ આ તપાસ અટકાવવાનું કર્યું હતું. હવે અજિત ફરી સત્તા પર આવતાં કેસ ઢીલો મૂકાય તે શક્ય છે.
• પ્રફુલ્લ પટેલઃ આંતરરાષ્ટ્રીય ગેંગસ્ટર અને ડ્રગ દાણચોર ઈકબાલ મિરચી સાથે આર્થિક વ્યવહાર કરવાના કેસમાં ઇડી દ્વારા પ્રફુલ્લ પટેલની પૂછપરછ થઈ ચૂકી છે. તેમની મુંબઈના વરલીમાં સીજે હાઉસ ખાતે આવેલી પ્રોપર્ટી પણ ટાંચમાં લેવામાં આવી ચૂકી છે. ઈડીએ સીજે હાઉસ ખાતેના ચાર ફલોર ટાંચમાં લીધા છે.
• છગન ભુજબળઃ એનસીપીના આ વજનદાર નેતા અગાઉ એનસીપી સરકારમાં જાહેર બાંધકામ પ્રધાન હતા ત્યારે તેમણે દિલ્હીમાં મહારાષ્ટ્ર સદન, અંધેરીમાં નવી આરટીઓ ઓફિસ તથા મલબાર હિલમાં સ્ટેટ ગેસ્ટ હાઉસમાં કૌભાંડ આચર્યું હોવાના આક્ષેપો થયા હતા. કોર્ટમાં અપીલ પછી તેમની સામે તપાસ થઈ હતી. સપ્ટેમ્બર 2021માં આઘાડી સરકાર વખતે વિશેષ અદાલતે ભુજબળને નિર્દોષ જાહેર કર્યા હતા. જોકે, તેની સામે થયેલી અપીલ પર ચુકાદો બાકી છે. મુંબઈ યુનિવર્સિટી ભ્રષ્ટાચાર કેસમાં પણ ભુજબળ સામેનો કેસ હજુ પડતર છે.
• હસન મુંશ્રીફઃ આ નેતાને ત્યાં તો હજુ હમણા જ ઈડીએ સર સેનાપતિ ઘોરપડે સુગર ફેક્ટરી કૌભાંડમાં દરોડા પાડયા હતા. ત્યારે મુંશ્રીફે ખુદ અદાલતમાં આક્ષેપ કર્યો હતો કે ઈડીનો રાજકીય દુરુપયોગ થઇ રહ્યો છે. હસનની આ કેસમાં ધરપકડ નહીં કરવા માટે બોમ્બે હાઈ કોર્ટે 11 જુલાઈ સુધીની મુદ્દત આપેલી છે. તેમના ત્રણ પુત્રોની આગોતરા જામીન અરજીઓ પણ અદાલતમાં પેન્ડિંગ છે.


comments powered by Disqus