દમણઃ ઘરની આર્થિક પરિસ્થિતિ નબળી હોવાના કારણે ક્રિકેટમાં આગળ રમી શકવા માટે અસમર્થ દમણના યુવકે માત્ર રૂ.4 હજારના માસિક વેતને કોચની નોકરી સ્વીકારી લીધી. જો કે આજે તેમણે તાલીમ આપેલા દમણના આઠથી વધુ યુવા ખેલાડી રાષ્ટ્રીયકક્ષાની ગુજરાત ટીમમાંથી રમી રહ્યા છે.
મોટીદમણના પટલારાના ભગુભાઈ પટેલ છેલ્લાં 17 વર્ષથી સંઘપ્રદેશ સ્પોર્ટ્સ વિભાગમાં ક્રિકેટ કોચ તરીકે બાળકોને તાલીમ આપી રહ્યા છે. સાવ સામાન્ય પરિવારમાંથી આવતા ભગુભાઈની માતાએ ગામમાં ખેતમજૂરી કરીને પુત્રને ઉચ્ચ શિક્ષણ આપ્યું હતું. ગામમાં અન્ય બાળકો સાથે રમીને તેમણે પોતાની ક્રિકેટની પ્રતિભાને નિખારી હતી. ગલીના ક્રિકેટમાંથી ભગુભાઈ પટેલની સુરતની નર્મદ યુનિવર્સિટીની ટીમમાં પસંદગી થઈ હતી. ત્યારબાદ તેમણે દેશની ફર્સ્ટ કલાસ ક્રિકેટ ગણાતી ટ્રોફીમાં વેસ્ટ ઝોનની ટીમમાં પસંદગી થતાં શ્રેષ્ઠ પ્રદર્શન કર્યુ હતું. કોલેજના સમયમાં ઘરની સ્થિતિ સારી ન હોવાથી ક્રિકેટ કિટ ખરીદી શકવાની ક્ષમતા ન હતી, જેથી યુનિવર્સિટી ટીમમાં પસંદગી થઈ ત્યારે મિત્રો પાસેથી સિઝન કિટ લઈને રમતો હતો.
ક્રિકેટમાં આગળ વધે એ પૂર્વે જ ભગુ પટેલને દમણ પ્રશાસનના સ્પોર્ટ્સ વિભાગમાંથી ક્રિકેટ કોચની નોકરી માટે ઓફર આવી હતી. ક્રિકેટમાં આગળ રમવાના બદલે તેમની ઘરની આર્થિક સ્થિતિ સારી ન હોવાથી તેમણે ક્રિકેટ કોચની નોકરી સ્વીકારી લીધી હતી.
આ ખેલાડીઓ ગુજરાત ટીમ વતી રમ્યા
ઉમંગ ટંડેલે ગુજરાતની ટીમમાં રણજી ટ્રોફી સહિત અનેક મેચ રમી છે. હેમાંગ પટેલ પણ રણજી ટ્રોફી સુધી રમી ચૂક્યો છે. સરલ પ્રજાપતિ, સુજલ જીવાણી, દર્શ ધોન્ડ, રોનક પારેખ ગુજરાત ક્રિકેટ એસો. વતી ગુજરાત ટીમનુ઼ં પ્રતિનિધિત્વ કરી ચૂક્યા છે.

