મુંબઈઃ તામિલનાડુના ગરીબ પરિવારમાં જન્મેલી અને મુંબઈની ઝૂંપડપટ્ટીમાં રહેનારી યુવતીની ધગશ અને અભ્યાસની ખેવનાની તને ઇંગ્લેન્ડ સુધી ખેંચી ગઈ છે. શ્રમિક પરિવારની આ દીકરી હાલમાં ઇંગ્લેન્ડની પોર્ટ્સમાઉથ યુનિવર્સિટીમાં માસ્ટર ડિગ્રી કરી રહી છે.
મુંબઈની ઝૂંપડપટ્ટીમાં રહેનારી રાજેશ્વરીએ આ અંગે જણાવ્યું કે, એક સમય એવો હતો કે જ્યારે એક દિવસ પણ પસાર કરવો મુશ્કેલ હતો. આજે જમતાં હતાં તો આવતીકાલે ભૂખ્યા જ સૂઈ જતાં હતાં. આ સમય દરમિયાન કોઈ દ્વારા ફેંકી દેવાયેલું જમવાનું પણ ઉપાડીને અમે જમ્યાં છીએ. ઘણી વખત એવું લાગતું હતું કે હું જ્યાં જન્મી ત્યાં જ મરી જઈશ. હું જીવનમાં કંઈ કરી શકીશ નહીં. અમે ચાર ભાઈ-બહેન છીએ. ગયાવર્ષ સુધી મારા માતા-પિતા રોજીરોટી માટે કન્સ્ટ્રક્શન સાઇટ પર ઇંટો અને રેતીનું વહનનું મજૂરીકામ કરતાં હતાં. જો કે હવે તે તેલંગાણામાં અમારા પૈતૃક ગામમાં રહે છે.
અમે મુંબઈની જે ઝૂંપડપટ્ટીના મકાનમાં રહેતાં હતાં, ત્યાં ચાર ભાઈ-બહેન અને માતા-પિતાને રહેવા માટે પૂરતી જગ્યા પણ નહોતી, જ્યાં વરસાદમાં છત પરથી પાણી ટપકતું ત્યારે આખી રાત જાગતાં પસાર કરવી પડતી હતી.
રાજેશ્વરીએ જણાવ્યું કે, જેમતેમ કરીને ધો.10ની પરીક્ષા મેં પાસ કરી લીધી હતી, જે બાદ હું જ્યાં રહેતી હતી ત્યાં મેં કેટલાક ધનિકોને ત્યાં ઘરકામ કરવાનું શરૂ કર્યું હતું. આ દરમિયાન અનેકનાં ઘરનાં શૌચાલય પણ મેં સાફ કર્યાં છે. જે બાદ ધો.12ની પરીક્ષા બાદ મેં કોલ સેન્ટર અને નાના કોર્પોરેટ હાઉસમાં કામ કરવાનું શરૂ કર્યું હતું. ભૂતકાળમાં મારી સાથે અભ્યાસ કરનારા અનેક લોકો વિદેશમાં અભ્યાસ કરતા હતા, જેમને જોઈને મને પણ વિદેશ અભ્યાસ કરવા જવાની તીવ્ર ઇચ્છા થઈ હતી.ગ્રેજ્યુએટ થયા બાદ આશરે 5 વર્ષ બાદ મેં ફરી વિદેશમાં અભ્યાસ કરવાની તૈયારી શરૂ કરી હતી. વિદેશ જવા માટે મેં પ્રવેશ પરીક્ષા આપવાનું શરૂ કર્યું અને તેને પણ ક્રેક કરી લીધી. આ દરમિયાન મને સ્કોલરશિપ પણ મળી પણ તે પૂરતું નહોતું, કારણ કે વિદેશમાં અભ્યાસ માટે રૂ. 30 લાખની જરૂર હતી.
જે બાદ નોકરી દરમિયાન કરેલી બચતમાંથી મેં કોલેજમાં એડમિશન લીધું અને ત્યાં જવા માટે બેન્કમાંથી લોન લઈને હું ઇંગ્લેન્ડમાં માસ્ટર્સ ભણવા આવી છું. હવે અહીં મારા ખર્ચા પૂરા કરવા હું અભ્યાસની સાથે નોકરી પણ કરું છું. અહીંનો મારો માસિક ખર્ચો આશરે રૂ. 1 લાખ છે.

