બહુચરાજીઃ મહેસાણા અર્બન બેન્કના ડિરેક્ટર અને રણેલા કોલેજના માલિક કિરીટભાઈ બી. પટેલે શનિવારે સવારે તેમની કોલેજ હોસ્ટેલના એક રૂમમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. ઘટનાસ્થળેથી મળેલી ચાર પાનાંની સ્યૂસાઇડ નોટમાં ઇન્દોર, દિલ્હી અને અમદાવાદના પાંચ શખ્સોએ રૂ. 2.40 કરોડની છેતરપિંડી કરતાં આ પગલું ભર્યું હોવાનું જણાવ્યું છે. પરિવારને ઉદ્દેશીને લખેલી નોટમાં તેમની તમામ મિલકત પૌત્ર આર્યના નામે કરવા તેમજ આર્યના લગ્નમાં જરૂરથી આવીશ તેમ લખ્યું છે.
સરસ્વતી મહિલા કોલેજના લેટરપેડ પર લખેલી નોટમાં તેમણે લખ્યું છે કે, પાંચ લોકોએ મારી સાથે ચીટિંગ કરી, ધમકી આપી અને પોલીસને પણ ફોડી દીધી. આ ચીટિંગથી હું આપઘાત કરવા મજબૂર થયો છું. આવા ચીટરો બીજા સાથે છેતરપિંડી ન કરે તે માટે વિનંતી. તમામ પેપર પુરાવા પોલીસને આપેલા છે.
એસપીએ ફરિયાદ ન નોંધી, પૈસા ખાધાનો આક્ષેપ
કિરીટ પટેલે તેમની સ્યૂસાઇડ નોટમાં પોલીસ માટે લખ્યું છે કે, ‘મને મારી સાથે છેતરપિંડી, છળકપટ, બનાવટ કરી રૂ. 2.40 કરોડની રકમનું ચીટિંગ કરવામાં આવ્યું છે, તેવા પાંચ લોકો નિલેશ ત્રિવેદી, હરીશ ગુપ્તા, અભિષેક શુક્લા, કૃપા શુક્લા, અમી જોશી સામે પોલીસ કાર્યવાહી થાય, એફઆઇઆર થાય, ધરપકડ થાય તો જ મને શ્રદ્ધાંજલિ આપી ગણાશે. મને આપઘાત કરવા દુષ્પ્રેરણા આપનારા આ પાંચેય જવાબદાર છે. બેચરાજીના પીએસઆઇ રાઠોડ અને એસપી અચલ ત્યાગીને ફરિયાદો કરી હોવા છતાં એફઆઇઆર નોંધી નથી. તેઓ પણ નાણાંથી ફૂટી ગયા હોય તેવું સ્પષ્ટ છે. આ સાથે આ કેસની ફાઇલ ટીવી આગળ મૂકેલી છે, મેળવી લેજો. પોલીસના હાથમાં જશે તો રફેદફે થશે. તેમણે સાંસદને પણ આ અંગે રજૂઆત કરી હતી.

