ગાંધીનગરઃ ગુજરાતના લોથલ ખાતે ભારત સરકારનાં બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલય દ્વારા નેશનલ મેરિટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ વિકસિત કરાઈ રહ્યું છે. જે ભારતના સમૃદ્ધ અને વૈવિધ્યસભર દરિયાઈ વારસાને પ્રદર્શિત કરશે. એનએમએચસી બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલય હેઠળના સાગરમાલા પ્રોગ્રામના મુખ્ય પ્રોજેક્ટ્સ પૈકી એક છે અને તે વિશ્વનું સૌથી મોટું મેરિટાઇમ મ્યૂઝિયમ કોમ્પ્લેક્સ હશે. એનએમએચસી ભારતના દરિયાઈ ઇતિહાસને શીખવા અને સમજવા માટેના એક કેન્દ્ર તરીકે કામ કરશે અને એક સામાન્ય માણસ તેનો ઇતિહાસ સરળતાથી સમજી શકે તે રીતે તેનું નિર્માણ કરાઈ રહ્યું છે.
સાગરમાલા પ્રોગ્રામ હેઠળ રૂ. 4500 કરોડના અંદાજિત ખર્ચ સાથે આશરે 400 એકર વિસ્તારમાં એનએમએચસી વિકસિત કરાઈ રહ્યું છે અને તેને જાહેર અને ખાનગી સંસ્થાના ભંડોળ અથવા વિવિધ સંસ્થાઓ અને સીએસઆર ભંડોળ દ્વારા વિકસાવવાનું આયોજન છે. ભારતનાં મુખ્ય બંદરો રૂ. 209 કરોડના ભંડોળનું યોગદાન આપી રહ્યાં છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ પ્રોજેક્ટની પ્રગતિ અંગે ચર્ચા કરી રાજ્યને સોંપાયેલી જવાબદારી નિભાવવામાં ગુજરાત તરફથી સંપૂર્ણ સહકારની ખાતરી આપી હતી.
મ્યુઝિયમમાં જોધપુરના ગુલાબી પથ્થરનો ઉપયોગ કરાશે
અમદાવાદઃ વિશ્વને એક નવું નજરાણું આપવા માટે ગુજરાતના લોથલમાં દુનિયાનું સૌથી મોટું મેરિટાઇમ મ્યૂઝિયમ બની રહ્યું છે. આ મ્યૂઝિયમની કામગીરીની સમીક્ષા કરવા માટે મુખ્યમંત્રી અને કેન્દ્રીય મંત્રીઓની સમીક્ષા બેઠક મળી હતી. આ બેઠકમાં મ્યૂઝિયમના બાંધકામને આકર્ષક બનાવવા માટે જોધપુરથી ગુલાબી પથ્થર મગાવીને તેનો ઉપયોગ કરવામાં આવશે તેવી વિગત બહાર આવી છે. આ પથ્થરની પસંદગી કરવા માટે પણ વિવિધ ખાણની મુલાકાત લઈને કઈ ખાણમાંથી પથ્થર લેવો તેની પસંદગી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે. બેઠકમાં કેન્દ્રીય બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રી સર્બાનંદ સોનોવાલે કહ્યું હતું કે, રૂ. 4500 કરોડના ખર્ચે બનનારું મ્યૂઝિયમ ભારતના સમૃદ્ધ અને વૈવિધ્યસભર દરિયાઈ વારસાને પ્રદર્શિત કરશે.
સરકારે 400 એકર જમીન ફાળવી
કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી તેમજ રસાયણ અને ખાતર મંત્રી ડો. મનસુખ માંડવિયાએ પણ ગુજરાત સરકારના પ્રયાસોની પ્રશંસા કરી હતી અને નિર્ધારિત સમયમર્યાદામાં પ્રોજેક્ટ પૂર્ણ કરવા માટે તમામ લોકોને વધુ સંકલન કરવા માટે નિર્દેશ આપ્યા હતા.

