મુંબઈઃ એનસીપીના અજિત પવારે ફરી કાકા શરદ પવારને ઠેંગો બતાવી પક્ષ છોડીને ચાલ્યા ગયા છે. આટલું જ નહીં તેઓ શિંદે સરકારમાં જોડાઈ સીધા જ નાયબ મુખ્યમંત્રી માટે શપથ પણ ગ્રહણ કરી લીધા છે. એનસીપીના અન્ય 9 ધારાસભ્યો દ્વારા પણ અજિત પવારની સાથે શપથ ગ્રહણ કરવામાં આવ્યા. આ શપથ ગ્રહણ કાર્યક્રમમાં સૌના આશ્ચર્ય વચ્ચે એનસીપીના કાર્યકરી અધ્યક્ષ પ્રફુલ્લ પટેલ પણ હાજર રહ્યા હતા.
એનસીપીના નેતા અજિત પવાર દ્વારા રવિવારે 2 જુલાઈએ લેવાયેલાં રાજકીય પગલાંથી મહારાષ્ટ્રની રાજનીતિને આશ્ચર્યજનક વળાંક આપી દીધો છે. તેમણે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રીપદે પોતાની આગામી રાજકીય ઇનિંગની શરૂઆત કરી છે. આ ઘટના બાદ તેમના કાકા શરદ પવારે સ્પષ્ટ કર્યું છે કે, આ બળવો છે, હું બતાવીશ કે એનસીપી કોની છે. આ દરમિયાન મહારાષ્ટ્રના એનસીપી પ્રમુખ જયંત પાટીલે કહ્યું કે, અજિત પવાર અને તેમની સાથે શપથ લેનારા એનસીપી નેતાઓ સામે કાર્યવાહી કરવામાં આવશે. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી વતી મંત્રીપદે શપથ લેનારા એનસીપીના નેતાઓને લઈને વિધાનસભા અધ્યક્ષને અયોગ્યતાની અરજી મોકલવામાં આવી છે.
9 લોકો સામે જ કાર્યવાહીની માગ
જયંત પાટીલે આ અંગે જણાવ્યું કે, અમે કેન્દ્રીય ચૂંટણીપંચને પત્ર અને ઇ-મેઇલથી જાણ કરી છે અને માત્ર 9 લોકો સામે કાર્યવાહીની માગ કરી છે. બાકીના ધારાસભ્યો અમારા સંપર્કમાં છે. તેઓ અમારી સાથે પાછા આવશે. વિધાનસભા અધ્યક્ષ રાહુલ નાર્વેકરે આ અંગે વહેલીતકે નિર્ણય લેવો જોઈએ. આ 9 નેતાઓએ જ્યારે શપથ લીધા ત્યારે જ ગેરલાયક ઠર્યા છે. આ લોકો દ્વારા એનસીપી અધ્યક્ષ શરદ પવારને અંધારામાં રાખી ભાજપ સાથે ગઠજોડ કરી લીધી છે.
શું બોલ્યા પ્રફુલ્લ પટેલ?
અજિત પવારની બગાવત બાદ મહારાષ્ટ્રમાં રાજકીય હલચલ યથાવત્ છે. જેને લઈને એનસીપીના કાર્યકારી અધ્યક્ષ પ્રફુલ્લ પટેલે કહ્યું કે, એમાં કોઈ બેમત નથી કે કેટલાક સમયથી એનસીપીમાં ચર્ચા થઈ રહી છે કે એનડીએમાં સામેલ થવું જોઈએ. શિવસેના અને ભાજપમાં કોઈ ફરક નથી. આ જે થયું તેને લઈને પહેલેથી વાતચીત થઈ રહી હતી અને પ્લાનિંગ પણ કરવામાં આવ્યું હતું.
એનસીપી અમે જ છીએઃ પ્રફુલ્લ પટેલ
શરદ પવાર અંગે પૂછાયેલા એક સવાલમાં પ્રફુલ્લ પટેલે કહ્યું કે, શરદ પવાર અંગે કોઈ ઉત્તર નહીં આપું. જ્યારે પાર્ટી ચિન્હ અંગે તેમણે કહ્યું કે, અમે કોઈ લડાઈ નથી કરી રહ્યા. અજિત પવારને બહુમતની સાથે સમર્થન મળ્યું છે. અસલી એનસીપી અને નકલી એનસીપીનો કોઈ સવાલ જ નથી, એનસીપી અમે જ છીએ.
24 કલાકમાં જ અજિત જૂથમાં તિરાડ
અજિત પવારના શપથગ્રહણ સમારોહના 24 કલાકમાં જ સેંધ લાગી ચૂકી છે. એનસીપી સાંસદ અમોલ કોલ્હે જે રવિવારે સંસદ ભવનમાં શપથગ્રહણ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા, તેમણે સોમવારે જણાવ્યું હતું કે, તેઓ શરદ પવારની સાથે છે. કોલ્હેએ એક વીડિયો શેર કરતાં જણાવ્યું છે કે, ‘જ્યારે દિલ અને દિમાગમાં જંગ થઈ જાય ત્યારે દિલનું સાંભળો. દિમાગ ક્યારેક નૈતિકતા ભૂલી જાય છે, પરંતુ દિલ ક્યારેય નહીં.’ આ ટ્વીટમાં તેમણે શરદ પવાર, સુપ્રિયા સુલે, જયંત પાટીલ અને જિતેન્દ્ર આવ્હાણને પણ ટેગ કર્યા છે.
પ્રફુલ્લ પટેલના જવાથી એનસીપીને ક્યાં નુકસાન?
એનસીપીમાંથી પ્રફુલ્લ પટેલના જવાથી એનસીપીને એક મોટું નુકસાન થયું હોવાનું મનાઈ રહ્યું છે. પ્રફુલ્લ પટેલ શરદ પવારના ભરોસાપાત્ર નેતાઓ પૈકી એક હતા. પ્રફુલ્લ પટેલ વિદર્ભ ક્ષેત્રના ગોંદિયાથી આવે છે અને તેઓ ચાર વખત ગોંદિયા - ભંડારા લોકસભા સીટથી સાંસદ રહી ચૂક્યા છે. 2022માં રાજ્યસભામાંથી ચૂંટાયા પહેલાં વર્ષ 2000, 2006 અને 2016માં પણ તેઓ ઉચ્ચ સદનના સભ્ય રહી ચૂક્યા છે. મનમોહન સરકારમાં તેઓ નાગરિક ઉડ્ડયન મંત્રી પણ રહી ચૂક્યા છે. વિદર્ભ ક્ષેત્રમાં પ્રફુલ્લ પટેલની સારી પકડ છે, જે અન્ય કોઈ નેતા બનાવી શક્યા નથી. એનસીપીમાંથી પ્રફુલ્લ પટેલ જતાં વિદર્ભમાં મોટો ફટકો પડશે તે નિશ્ચિત મનાય છે. પ્રફુલ્લ પટેલના પિતા મનોહરભાઈ પટેલ પણ ગોંદિયા સીટ પર વિધાનસભામાં પ્રતિનિધિત્વ કરી ચૂક્યા છે.

