જામનગરઃ બિપરજોય વાવાઝોડાના કારણે હાલારમાં મીઠા ઉદ્યોગ અને અગરમાં તૈયાર એક લાખ ટન મીઠાનું ધોવાણ થયાનો અંદાજ મીઠા ઉદ્યોગ એસોસિયેશને વ્યક્ત કર્યો છે. અંતિમ તબક્કામાં વાવાઝોડાના કારણે રાજયભરમાં 30 ટકા જેટલા તૈયાર મીઠાના ધોવાણનો અંદાજ છે, છતાં રાજ્ય સરકાર દ્વારા હજુ સુધી મીઠા ઉદ્યોગમાં નુકસાનીનો કોઈ સરવે કે સહાય જાહેર ન કરાઈ હોવાની ફરિયાદો મીઠા ઉદ્યોગ એસોસિયેશન અને અગરિયાઓમાં ઊઠી છે. નોંધનીય છે કે રાજ્યમાં 10 એકરના અગરિયામાં ચાર હજાર પરિવાર છે, તો 10 એકરથી મોટા 1000 જેટલા મીઠાનાં કારખાનાં છે. જો કારખાનામાં સમયસર પુનઃવસન નહીં થાય તો મીઠાની અછતની ભીતિ સેવાઈ રહી છે.
નોંધનીય છે કે, મીઠાનાં એકમોની લીઝ તાકીદે રિન્યૂ કરવામાં આવે તો આફતના સમયમાં બહાર આવવા બેન્ક પાસેથી નાણાકીય સહાય મેળવી શકાય તેવી માગણી ઇન્ડિયન સોલ્ટ મેન્યુફેક્ચરર્સ એસો. દ્વારા કરવામાં આવી છે.

