વડોદરાઃ યોગ અને સમાજસેવાના ક્ષેત્રે પ્રશંસનીય પ્રદાન બદલ ભારત સરકારે ગત વર્ષે જેમને પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કર્યા છે તેવા 127 વર્ષના સ્વામી શિવાનંદ બાબાની દીર્ઘાયુનું રહસ્ય છે અપેક્ષારહિત જીવનશૈલીનો આનંદ. વડોદરાની ત્રણ દિવસની મુલાકાત દરમિયાન સ્વામી શિવાનંદ બાબાએ સંસ્કારનગરીના વિવિધ મંદિરોની મુલાકાત લીધી હતી તેમજ લોકોને આનંદપૂર્વક મળ્યા હતા.
‘વિશ્વના સૌથી આનંદિત અને સૌથી વધુ ઉમરવાળા વ્યક્તિ’ તરીકે જાણીતા બાબા શિવાનંદજીએ પત્રકારો સાથેની વાતચીતમાં આજના યુગમાં રોગરહિત, સુખથી ભરેલું દીર્ઘ આયુષ્ય પ્રાપ્ત કરવા માટે કેટલીક મહત્વની ટીપ્સ આપી હતી.
127 વર્ષની ઉમરે બાબા હવે તમને શું અપેક્ષા છે? એવા પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું હતું કે મને બાળપણમાં પણ કોઇ અપેક્ષા નહોતી અને આજે પણ નથી. હકીકતે અપેક્ષારહિત જીવનશૈલીના કારણે જ હું 127 વર્ષનો થયો છું. અપેક્ષાઓ નહીં હોવાના કારણે જ આનંદિત અને સુખી છું.
દીર્ઘ આયુષ્યનો સારાંશ
પોતાના દીર્ઘ જીવનનો સારાંશ રજૂ કરતાં તેમણે કહ્યું હતું કે મારો જન્મ દારુણ ગરીબીમાં થયો. ઘરમાં અન્નનો દાણો નહોતો. માતાપિતા ભીખ માંગીને જીવન ગુજારો કરતા હતા. ચાર વર્ષની ઉમરે મારા માતાપિતાએ મને ગુરુ ઓમકારાનંદજીને સોંપી દીધો. તેઓ મને કાશી (વારાણસી) લઇ ગયા. ત્યાં યોગ અને શાસ્ત્રોનો અભ્યાસ શરૂ કર્યો. છ વર્ષની ઉમરે હું ઘરે પરત આવ્યો તો તે જ દિવસે મારી બહેને ભૂખમરાના કારણે પ્રાણત્યાગ કર્યા હતા. આના એક જ મહિના બાદ માતા અને પિતાનું પણ ભૂખમરાના કારણે મૃત્યુ થઇ ગયું. હું કાશી પરત જતો રહ્યો. કોઇ પાસેથી પૈસા લેવા નહીં, દાન-દક્ષિણા લેવી નહીં, કોઇ અપેક્ષાઓ રાખવી નહીં. સ્વયં પર નિર્ભર રહીને માનવજાતના કલ્યાણ માટે અને રોગીઓ માટે શક્ય તેટલી સેવા કરવી એ મારા જીવનનો ધ્યેય અને સારાંશ છે.
દીર્ઘ આયુષ્ય અને સ્વસ્થ જીવન કઇ રીતે પ્રાપ્ત થઇ શકે? તેવા પ્રશ્નના જવાબમાં સ્વામી શિવાનંદ બાબાએ કહ્યું હતું કે સૂર્યોદય પહેલા ઊઠી જવાનું, વહેલી સવારે એક કલાક યોગ કરવાના, સંસારીઓએ શક્ય હોય ત્યાં સુધી બ્રહ્મચર્યનું પાલન કરવું, અને ભોજનમાં તેલ, મીઠું કે મરચું નાંખ્યા વગરનું શુદ્ધ શાકાહારી બાફેલું ભોજન લેવું. ગરીબોને નથી મળતું એટલે મેં ઘી, તેલ, દુધ, મીઠાઇ અને ફળોનો ત્યાગ કર્યો છે. દિવસ દરમિયાન ક્યારેય ઊંઘ કરવી નહી. નોંધનીય છે કે બાબાએ આજીવન બ્રહ્મચર્યનું પાલન કર્યું છે.
1896માં જન્મ
સ્વામી શિવાનંદજીનો જન્મ 8 ઓગસ્ટ 1896ના રોજ સીલ્હટ (હાલ બાંગ્લાદેશ)માં થયો હતો. હાલ તેમની ઉંમર 127 વર્ષ છે. સાદાં, સરળ, તણાવમુક્ત અને ઇચ્છામુક્ત જીવન દ્વારા દીર્ઘાયુષ્યનો આદર્શ રચનાર સ્વામી શિવાનંદજીને ભારત સરકારે 2022માં પદ્મશ્રીથી સન્માનિત કર્યા છે. 127 વર્ષની વયે પણ નિયમિત યોગાભ્યાસ અને યોગ પ્રશિક્ષણ ઉપરાંત રક્તપિતનાં દર્દીઓની સેવામાં સતત વ્યસ્ત રહે છે.
1925માં લંડન પ્રવાસ
કાશીમાં ગુરુ ઓમકારાનંદજી પાસેથી શિક્ષણ મેળવ્યા બાદ યોગ અને ધ્યાનમાં નિપુણતા મેળવી અને ગુરુઆજ્ઞાથી 1925માં તેઓ લંડન ગયા હતા અને પશ્ચિમી દેશોમાં વૈદિક જીવન શૈલીનો પ્રસાર કરીને 1959માં તેઓ ભારત પરત ફર્યા હતા. ઉલ્લેખનીય છે કે શિવાનંદ બાબા અત્યાર સુધીમાં 50 દેશોનો પ્રવાસ કરી ચૂક્યા છે.
ઓછામાં ઓછી જીવનજરૂરત
1959માં વિદેશપ્રવાસેથી પરત ફર્યાના થોડા સમય બાદ ગુરુદેવ ઓમકારાનંદજીએ શિવાનંદજીને પોતાના આધ્યાત્મિક વારસ જાહેર કરીને નશ્વર દેહનો ત્યાગ કર્યો. આ પછી સ્વામી શિવાનંદજી ભારતમાં જ રહીને જ સેવાકાર્યો કરી રહ્યા છે. ઓછામાં ઓછી જરૂરતો દ્વારા ભગવાન ભરોસે જ જીવનનિર્વાહ કરવાની જીવનશૈલી તેમણે અપનાવી છે. હાલ તેઓ ભગવાન કાશીવિશ્વનાથની ભૂમિ વારાણસીમાં નિવાસ કરે છે.
આજે 127 વર્ષની વયે પણ નિયમિત યોગાભ્યાસ અને યોગ પ્રશિક્ષણ ઉપરાંત રક્તપિતનાં દર્દીઓની સેવામાં સતત વ્યસ્ત રહે છે. છેલ્લા પચાસ વર્ષોમાં તેમણે રક્તપિત્તથી પ્રભાવિત સેંકડો રોગીઓની સેવા-સારવાર કરી છે. ઈચ્છા અને તણાવમુક્ત જીવન દ્વારા દીર્ઘાયુ પ્રાપ્ત થઇ શકે છે તે સિદ્ધાંતનું તેઓ જીવંત ઉદાહરણ છે.
સ્વામી શિવાનંદ બાબાનો હેલ્થ ચાર્ટ
બ્લડસ્યુગર: નોર્મલ - બ્લડ પ્રેશર: નોર્મલ
આંખો: નોર્મલ (વાંચવાના ચશ્મા છે)
શ્રવણશક્તિ: 80 ટકા
ભોજન: 24 કલાકમાં બે વખત બાફેલું ભોજન
દવાઓ: એલોપથી દવા જીવનમાં ક્યારેય નથી લીધી, જરૂર પડે તો આયુર્વેદનો સહારો લે છે
યોગ: રોજ વહેલી સવારે એક કલાક
પ્રવૃત્તિ: યોગ પ્રશિક્ષણ, યોગ પ્રચાર, રક્તપિતરોગીઓની સેવા કરવી

