કચ્છ સરહદે કાઢવાંઢથી ધોળાવીરા સુધીનો ‘રોડ ટુ હેવન’

Wednesday 06th December 2023 03:47 EST
 
 

ભુજઃ કચ્છમાં ભુજ તાલુકાના કાઢવાંઢથી ધોળાવીરા સુધી એક 30 કિ.મી.નો એવો માર્ગ છે કે, જે હજુ પૂરેપૂરો નિર્માણ પામ્યો નથી, છતાં હજારો લોકો આ માર્ગનાં સૌંદર્યને નિહાળવા આવે છે. આ માર્ગ પરથી પસાર થવાના આહલાદક અનુભવને કારણે તેને ‘રોડ ટુ હેવન’નું સોહામણું નામ મળ્યું છે.
રણ શરૂ થાય એટલે ઊંચાઈથી જોતાં એવું લાગે છે જાણે અહીં પૃથ્વીનો છેડો આવી ગયો હોય. જગત અહીં પૂરું બસ! વહેલી સવારે જ્યાં નજર પહોંચે ત્યાં દિશાઓ ધુંધળી, શાંતિનો એક એવો અહેસાસ જે ખળભળાવી દે... થોડીવારમાં તો સાત અશ્વોના રથ પર સૂર્યનારાયણની સવારી આવી પહોંચતાં જાણે આખું રણ ઊભું થઈને પ્રણામ કરતું હોય એવું લાગે. દરિયાનાં ખારાં છીછરાં પાણી અને સૂર્યની લાલીમા એકમેકને સ્પર્શે અને એક તેજપુંજ આંખોમાં પ્રવેશી જાય.
કચ્છનું રણ સદીઓથી પેટમાં નમકનાં થરના થર ઠાલવી શાંત બેઠું છે એ સીધી સપાટ ભૂમિ પર લખપતની દરિયાઈ ખાડીમાં ભરાયેલાં સમુદ્રનાં પાણીને ફુંફાળા મારતો પવન રણમાં ખેંચી લાવે છે. ઉપરથી વરસાદી પાણી અને નદીઓનાં પાણી આ અફાટ સમુદ્રમાં ઠલવાતાં દરિયો છએક મહિના ધુધવે, હિલોળા લે પછી શાંતિથી સફેદાચ્છાદિત નમકમાં પલટાઈ જાય. સામુદ્રિક રસાયણ એટલે ઝેર અને એસિડ, છતાં તેનું સૌંદર્ય અફાટ, રંગબેરંગી અને તદ્દન મનમોહી લેતું.


comments powered by Disqus