ગુજરાતમાં અઢળક તકઃ સિંગાપોરને રોકાણ કરવા મુખ્યમંત્રીનું આમંત્રણ

Wednesday 06th December 2023 03:26 EST
 
 

ગાંધીનગરઃ ગુજરાત વાઇબ્રન્ટ ગ્લોબલ સમિટ 2024 પહેલાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિદેશના પ્રવાસે છે. જાપાનના ઉદ્યોગપતિઓ અને જાપાન ડેલિગેશન સાથે સફળ મિટિંગોનો દોર પૂર્ણ કરી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને તેમનું ડેલિગેશન સિંગાપોર પહોંચ્યું હતું.
સિંગાપોરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથેના ડેલિગેશને પ્રથમ દિવસે ફાઇનાન્સ એન્ડ બિઝનેસ એક્ઝિક્યુટિવ સાથે બેઠક કરી હતી. જે બાદ સિંગાપોરના વેપાર અને ઉદ્યોગ મંત્રી, સિંગાપોરના મોનેટરી ઓથોરિટીના ચીફ ટેક્નોલોજી ઓફિસર અને સિંગાપોર બિઝનેસ ફેડરેશન સાથે પણ સફળ બેઠક કરી હતી.
મુખ્યમંત્રીએ સિંગાપોર પ્રવાસ દરમિયાન ચીપ બનાવતી કંપની માઇક્રોનના સિંગાપોર સ્થિત એસેમ્બલી અને ટેસ્ટિંગ પ્લાન્ટની મુલાકાત લીધી, જ્યાં તેઓ ગુજરાત ડેલિગેશન સાથે પહોંચ્યા હતા. મુખ્યમંત્રીની આ મુલાકાત દરમિયાન માઇક્રોનના વરિષ્ઠ અધિકારીઓએ મેન્યુફેક્ચરિંગ પ્રોસેસની સમજ આપી હતી.
માઇક્રોન દ્વારા ગુજરાતના સાણંદમાં જે સેમિ કંડક્ટર પ્રોડક્શન પ્લાન્ટ સ્થાપવામાં આવી રહ્યો છે, તેના સંદર્ભમાં પણ વરિષ્ઠ અધિકારીઓએ મુખ્યમંત્રીને અને ગુજરાત ડેલિગેશનને વિગતો આપી હતી.
અત્રે નિર્દેશ કરવો જરૂરી છે કે, સેમિ કંડક્ટર સહિત ગ્રીન હાઇડ્રોજન, ઇ-મોબિલિટી જેવા ઊભરતા સેક્ટર્સ પર વિશેષ ઝોક સાથે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2024 ‘ગેટ વે ટુ ધ ફ્યુચર’ની થીમ સાથે યોજાવાની છે, તે સંદર્ભમાં માઇક્રોન એસેમ્બલી અને ટેસ્ટિંગ પ્લાન્ટની મુખ્યમંત્રી અને ગુજરાત ડેલિગેશનની આ મુલાકાત ઉપર્યુક્ત બનશે.
આ તકે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતને 2047 સુધી વિકસિત રાષ્ટ્ર બનાવવાના આપેલા વિઝનને સાકાર કરવામાં ગુજરાત અગ્રણી રાજ્ય છે. ગુજરાતમાં રિન્યુઅલ એનર્જી, ઇલેક્ટ્રિક વ્હીકલ્સ, સેમિ કંડક્ટર, ફૂડ પ્રોસેસિંગ, ડેરી પ્રોડક્ટ જેવા ઇમર્જિંગ સેક્ટરમાં મૂડીરોકાણ લાવવા માટે સરકાર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.


comments powered by Disqus