નવી દિલ્હીઃ બંગાળની ખાડીમાં 2 ડિસેમ્બરે સર્જાયેલું વાવાઝોડું મિચોંગ તોફાની ચક્રવાતમાં ફેરવાયું છે, જેણે મંગળવારે તામિલનાડુ, આંધ્રપ્રદેશ, ઓડિશા અને પુડ્ડુચેરીમાં ભારે કેર વર્તાવ્યો. ચક્રવાત મિચોંગ મંગળવારે સૌપ્રથમ નેલ્લોર-મછલીપટ્ટનમના દરિયાકાંઠે 90 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે અથડાયો. તામિલનાડુનાં ચેન્નઈમાં મુશળધાર વરસાદના પગલે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું. આ ચક્રવાતમાં મંગળવાર સાંજ સુધ મૃત્યુઆંક 12 નોંધાયો છે.
ચક્રવાતને લઈને આંધ્રપ્રદેશમાં હાઇએલર્ટ આપવામાં આવ્યું હતું. આંધ્ર સરકારે તિરુપતિ, નેલ્લોર, પ્રકાશમ, બાપટલા, કૃષ્ણા, પશ્ચિમ ગોદાવરી, કોનાસીમા અને કાકીનાડા જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કર્યું હતું. આ 8 જિલ્લામાં એનડીઆરએફ અને એસડીઆરએફની 5-5 ટીમો તહેનાત કરવામાં આવી હતી.
બીજી તરફ ચેન્નઈમાં સોમવારના વાવાઝોડા અને ભારે વરસાદના કારણે ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયું હતું. સ્થિતિ ત્યાં સુધી વણસી હતી કે રસ્તાઓ પર કાર તણાઈ રહી હતી અને એરપોર્ટ ખાતે ભરાયેલાં પાણીમાં વિમાનનાં ટાયર પણ ડૂબી ગયાં હતાં. આ સ્થિતિમાં 200થી વધુ ટ્રેન અને 70થી વધુ ફ્લાઇટ્સ રદ કરવાની ફરજ પડી હતી. જો કે 16 કલાક બાદ ચેન્નઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી ફ્લાઇટની ઉડાન પૂર્વવત્ થઈ ગઈ હતી. આ સ્થિતિમાં ચેન્નઈમાં જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું.

