ટોકિયોમાં રોકાણકારો સાથે મુખ્યમંત્રીનો રોડ-શોઃ ટોચના બિઝનેસ પ્રોફેશનલ્સ જોડાયા

Wednesday 06th December 2023 03:26 EST
 
 

ગાંધીનગરઃ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના પ્રમોશન માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને મુખ્ય સચિવ રાજકુમારના નેતૃત્વમાં ગુજરાતના એક ઉચ્ચસ્તરીય ડેલિગેશને જાપાન-પ્રવાસના ચોથા દિવસે ટોકિયો ખાતે રોડ-શો યોજ્યો હતો. જેમાં જાપાનના 200થી વધુ ઉદ્યોગ અગ્રણી જોડાયા હતા.
આ તબક્કે મુખ્યમંત્રીએ ભારતના વિકાસ રોલ મોડેલ તરીકેની ગુજરાતની વિકાસગાથાની પ્રસ્તુતિ કરી હતી. ગુજરાતના ઉદ્યોગ અને ખાણવિભાગના અધિક મુખ્ય સચિવ એસ.જે. હૈદરે ગુજરાતની ક્ષમતા અને રાજ્યમાં રહેલી તકો અંગેનું પ્રેઝન્ટેશન આપ્યું હતું.
આ રોડ-શોમાં ટોકિયોના અગ્રણી ઉદ્યોગ-રોકાણકારોએ ગુજરાતની ડબલ એન્જિન સરકારની વિકાસગાથા જાણીને રોકાણ માટે ઉત્સુકતા દર્શાવી હતી.
મુખ્યમંત્રીએ જણાવ્યું કે, જાપાનીઝ ઉદ્યોગ રોકાણકારોને વાઇબ્રન્ટ સમિટ-2024માં સહભાગી થવા આમંત્રણ આપ્યું હતું. વિકસિત ભારત@ 2047ના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સંકલ્પને સાકાર કરવામાં વાઇબ્રન્ટ સમિટ મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવશે. જેમાં જાપાનના ઉદ્યોગ રોકાણકારોની સહભાગિતા પણ જોડાશે. જાપાનના અનુભવ અને ક્ષમતા સાથે ગુજરાતની ઉદ્યોગ સાહસિકતા અને જાપાનની ટેક્નોલોજી સાથે ગુજરાતના યૂથ ટેલેન્ટના સમન્વયથી જાપાન-ભારત-ગુજરાત સંબંધોને નવી ઊંચાઈ મળશે.
વિકસિત ભારત માટે આત્મનિર્ભર ગુજરાતની સંકલ્પના સાથે ગુજરાતે સેમિ કંડક્ટર, ગ્રીન હાઇડ્રોજન, ઈ-મોબિલિટી, એનર્જી તથા રિન્યુએબલ એનર્જી તથા ગ્લોબલ ફાઇનાન્સિયલ એક્ટિવિટીઝ જેવા ફ્યુચરિસ્ટિક ડેવલપમેન્ટના સેક્ટર્સ પર વિશેષ ઝોક આપ્યો છે.


comments powered by Disqus