ધોળાવીરામાં 5 હજાર વર્ષ જૂનું ‘હડપ્પા’ પુનર્જીવિત થશે

Wednesday 06th December 2023 03:46 EST
 
 

ભુજઃ વિશ્વધરોહર સ્થળ ધોળાવીરાને સ્વદેશ દર્શન 2.0 યોજનામાં પસંદ કરાયું છે. આ યોજના હેઠળ ધોળાવીરાની સાથે આખા ખડીર રણદ્વીપનો વિકાસ કરાશે, જેનો માસ્ટર પ્લાન એજન્સીએ કેન્દ્રને સુપરત કરી દીધો છે. અહીં લોકો બે-ત્રણ દિવસ રોકાઈ શકે તે પ્રકારે આયોજન તૈયાર કરાઈ રહ્યું છે. નવા પ્લાનમાં ધોળાવીરાની અંદર પ્રવેશ અને કનેક્ટિવિટી વધારવા પર ધ્યાન આપી અપગ્રેડ કરાશે. માસ્ટર પ્લાન મુજબ નવીન અને આકર્ષક પ્રવાસન સ્થળો દ્વારા ખડીરની સાંસ્કૃતિક વિશિષ્ટતા અને ભૂસ્તરશાસ્ત્રીય સ્થળો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે. જેમાં કન્વેન્શન સેન્ટર, ગાર્ડન, સ્કલ્પચર પાર્ક જેવાં નવીન સ્થળો હશે. વર્ચ્યુઅલ રિયાલિટીનો ઉપયોગ કરી લોકો ઇતિહાસ જાણી શકશે, સાથે સ્થાનિક લોકોની ભાગીદારી વધારાશે. પ્રવાસીઓ માટે ખાસ મોબાઇલ એપ્લિકેશન બનાવાશે, જેમાં તેઓને તમામ માહિતી અને સુવિધા મળી શકે.
સિંધુ-સરસ્વતી સભ્યતાનાં ગામ પુનર્જીવિત કરાશે
ધોળાવીરા ખાતે સિંધુ-સરસ્વતી સભ્યતા જેવાં ગામ નવનિર્મિત કરાશે, જેથી મુલાકાતીઓ 50 સૈકા પહેલાંના જીવનનો અનુભવ કરી શકશે. જેના માટે ખડીર ટાપુ ખાતે એમ્ફી થિયેટર ઊભું કરી સાંસ્કૃતિક કાર્યક્રમોની સાથે લાઇટ એન્ડ સાઉન્ડ શો યોજાશે. સ્ટેજ એરિયામાં સફેદ રણની પૃષ્ઠભૂમિ હશે. ધોળાવીરાના પુરાતત્ત્વીય સ્થળની થીમ પર બનેલું આ સ્થળ સ્થાનિક સામગ્રી અને પથ્થરથી બનેલું હશે.
સ્થાનિકોને રોજગારી અપાશે
ખડીર હસ્તકળા ક્ષેત્રે સમૃદ્ધ છે. મોટાભાગનાં ઘર માટે હસ્તકલા આજીવિકાનું સાધન છે. આ બજારથી સ્થાનિકોને ફાયદો થશે. ધોળાવીરાના ઐતિહાસિક સ્થળ અંગે જાગૃતિ વધારવા માટે આગમન વિસ્તારમાં એક શિલ્પ-બગીચો વિકસાવવાની કલ્પના છે. શિલ્પ ઉદ્યાન રણની કિનારે દક્ષિણમાં ઊભો કરવામાં આવશે.


comments powered by Disqus