નડિયાદઃ ખેડા જિલ્લાના નડિયાદના આંગણે નૂતન બીએપીએસ સ્વામીનારાયણ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનો શુભારંભ થયો. પરમપૂજ્ય મહંતસ્વામી મહારાજના આગમન સમયે નૂતન મંદિરના “મુખ્ય પ્રવેશદ્વાર”ની અનાવરણ વિધિમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી દિનશા પટેલ અને સદ્ગુરુ સંતવર્ય પૂજ્ય કોઠારીબાપા આણંદ મંદિરના કોઠારી પૂજ્ય ભગવતચરણ સ્વામી, મહેળાવ મંદિરના કોઠારી પૂજ્ય ગુણનિધિ સ્વામી, નડિયાદ મંદિરના કોઠારી પૂજ્ય સર્વમંગલ સ્વામી જોડાયા હતા.
આ પ્રસંગે પૂર્વ કેન્દ્રીયમંત્રી દિનશા પટેલે જણાવ્યું હતું કે, ‘નડિયાદ શહેરને ચાર બાબતનું ગૌરવ છે કે અહીં શ્રી સંતરામ મંદિર, શ્રીમાઈ મંદિર, શ્રી સરદાર વલ્લભભાઈ પટેલનું જન્મસ્થાન અને ચોથું આ ભવ્ય સ્વામીનારાયણ મંદિર નિર્માણ પામ્યાં છે.’
શાંતિપાઠ બાદ અને મુખ્ય દ્વાર પાસે કોઠારીબાપાએ શ્રીફળ વધેર્યું હતું, તો દિનશા પટેલ અને સંતોએ નાડાછડી છોડી હતી. બાદ સ્વામી સૌનું અભિવાદન ઝીલતાં સન્માનસભામાં પધાર્યા હતા. પરમપૂજ્ય મહંત સ્વામી મહારાજનાં વધામણાં અવસરે પૂર્વ મુખ્યદંડક અને નડિયાદના સિનિયર ધારાસભ્ય પંકજ દેસાઈએ સન્માન સભામાં ખાસ ઉપસ્થિત રહી મહંતસ્વામીના આશીર્વાદ મેળવ્યા હતા.

