ન્યૂજર્સીઃ અમેરિકાના ન્યૂજર્સીમાં એક ગુજરાતી યુવાને તેનાં સગાં મામા અને નાના-નાનીની પોઇન્ટ બ્લેન્ક રેન્જથી ગોળી મારી હત્યા કરી દીધી. આ તમામ મૃતકો આણંદના બાકરોલના વતની છે. ઘટનાને પગલે તાત્કાલિક દોડી ગયેલી ન્યૂજર્સી પોલીસે યુવાનની ધરપકડ કરી તપાસ હાથ ધરી હતી.
હત્યારા ભાણેજ ઓમને અમેરિકામાં સ્થાયી થવું હોઈ મામા યશ બ્રહ્મભટ્ટ તેને ન્યૂજર્સી લઈ ગયા હતા, જ્યાં આવતાં-જતાં રહેતાં ગુજરાત પોલીસના નિવૃત્ત પીઆઇ પિતા દિલીપભાઈ બ્રહ્મભટ્ટ અને તેમનાં પત્ની બિન્દુબહેન પણ હાજર હતાં.
આ દરમિયાન ઓમ ડ્રગ્સના રવાડે ચડ્યો હોવાનું પણ જાણવા મળ્યું હતું. આ દરમિયાન ભાણેજ ઓમે ગનથી મામા યશ બ્રહ્મભટ્ટ અને નાના-નાનીની પોઇન્ટ બ્લેન્ક રેન્જથી ગોળી મારી હત્યા કરી હતી. ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક દોડી આવી હતી અને હત્યારા ઓમની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી. મૃતક મામા યશ બ્રહ્મભટ્ટ પરિણીત હતા અને તેને 4 વર્ષનો પુત્ર પણ છે.
રિહેબ સેન્ટરમાં હતો ઓમ
23 વર્ષીય ઓમ અમેરિકામાં ડ્રગ્સની લતે ચડી ગયો હતો, જેથી તેને ત્યાં રિહેબિલેશન સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં તેનામાં કોઈ સુધાર ન થતાં તેને પરત આણંદ માતા રિન્કુબહેન પાસે મોકલી દેવાયો હતો. જો કે પોતાના ભાણેજને સારી રીતે સેટ કરવા મામા યશ બ્રહ્મભટ્ટ તેને ફરી પોતાની સાથે અમેરિકા લઈ ગયા હતા. દરમિયાન સોમવારે સવારે ભાણેજ ઓમ અચાનક ગન લઈને ઘરે આવ્યો હતો અને પોઇન્ટ બ્લેન્ક રિવોલ્વરથી મામા યશ બ્રહ્મભટ્ટ બાદ નાની બિન્દુબહેનને અને નાના દિલીપભાઈ બ્રહ્મભટ્ટને પણ ગોળી મારી દીધી હતી. ઘટનાના પગલે સ્થાનિક પોલીસે તુરંત દોડી આવી ઓમની ધરપકડ કરી હતી.
પુત્ર ઓમ દ્વારા આવી ઘટનાને અંજામ અપાતાં માતા રિન્કુબહેન આઘાતમાં સરી પડ્યાં હતાં. માતા-પિતા અને એકના એક ભાઈની પોતાના જ કૂખે જન્મેલા પુત્ર ઓમે હત્યા કરતાં રિન્કુબહેનની દયનીય હાલત બની છે.

