પાંચ મિનિટમાં જેલમંત્રીથી કેદી બની ગયો હતોઃ અમિત શાહે ભૂતકાળ યાદ કર્યો

Wednesday 06th December 2023 03:27 EST
 
 

જૂનાગઢઃ જૂનાગઢમાં જાહેર કાર્યક્રમના મંચ પરથી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પોતાના કપરા કાળને યાદ કરતાં હળવી શૈલીમાં કહ્યું હતું કે ‘પાંચ મિનિટ પહેલાં હું જેલનો મંત્રી હતો અને તેની પાંચ મિનિટ પછી જેલનો કેદી હતો. આવું સદ્ભાગ્ય ઇશ્વર કોઈકને જ આપે છે.’
પ્રવચનની અધવચ્ચે અચાનક તેમણે ભૂતકાળમાં ડોકિયું કરીને કહ્યું કે, ‘જ્યારે હું ગૃહમંત્રી હતો, ત્યારે કોંગ્રેસની સરકારે સીબીઆઇ મારફતે કેસ કરાવી મને જેલમાં મોકલ્યો હતો. હું ગૃહમંત્રી હતો તેની પાંચ મિનિટ પછી હું જેલનો કેદી હતો. જમીન પર આવવાનું આવું સદભાગ્ય કોઈકને જ મળે છે, જે મને મળ્યું છે. સ્વાભાવિક રીતે જ મારા માટે એ કપરો કાળ હતો. હું જેલમાં હતો ત્યારે વકીલને રાખવા વાતચીત ચાલી રહી હતી, ત્યારે કોંગ્રેસનું બેકગ્રાઉન્ડ ધરાવતા નિરૂપમભાઈ નાણાવટએ સુપ્રીમ કોર્ટ સુધી લડીને જીતવામાં મદદ પણ કરી અને પ્રોફેશનાલિઝમનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું.’
દિવ્યકાંત નાણાવટીનાં કામ દીવાસમાન
જૂનાગઢમાં રૂપાયતન સંસ્થા ખાતે આયોજિત દિવ્યકાંત નાણાવટી શતાબ્દી વર્ષ પર્વ અને ગ્રંથ લોકાર્પણ પર્વ નિમિત્તે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે પૂર્વ કેબિનેટ મંત્રી દિવ્યકાંત નાણાવટીનાં કાર્યોને યાદ કરી જણાવ્યું હતું કે, ‘ તેમણે કરેલાં કામ એ ટમટમતા દીવડાસમાન છે, જેમાં કોઈને કોઈ તેલ પૂરતું રહે છે.’ આ તકે ભક્ત કવિ નરસિંહ મહેતાનું સ્મરણ કરી તેમણે કહ્યું કે ‘આજે નાનાં-મોટાં કામો કરીને સામાજિક ન્યાયની વાતો કરતા રહેતા લોકોને હું કહીશ કે એક વાર નરસિંહને જાણો, તો ખબર પડે કે સામાજિક ન્યાય કોને કહેવાય.’
બે વખત જૂનાગઢના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી રહી ચૂકેલા દિવ્યકાંત નાણાવટીના શતાબ્દી વર્ષ પર્વ અને ગ્રંથ લોકાર્પણ પ્રસંગે રૂપાયતન ખાતે આયોજિત કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ ઉપસ્થિત રહ્યા હતા અને લોકોને પોતાના અનુભવો જણાવ્યા હતા.


comments powered by Disqus