દહેરાદૂનઃ ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ બુધવારે ચિન્યાલીસોડ હોસ્પિટલમાં દાખલ શ્રમિકોને મળીને તેમની તબિયત પૂછી હતી. સાથે જ શ્રમિકોને રૂ. 1-1 લાખની પ્રોત્સાહન રકમનો ચેક આપ્યો હતો. મુખ્યમંત્રીએ શ્રમિકોના બચાવકાર્યમાં રેટ માઇનિંગ ટેકનિકથી સાથ આપનારા શ્રમિકોને પણ રૂ. 50-50 હજારની પ્રોત્સાહન રકમ આપી હતી. કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ એજન્સીઓ દ્વારા સતત યુદ્ધસ્તર પર ચલાવવામાં આવેલા અભિયાનના 17મા દિવસે ટનલમાં ફસાયેલા 41 શ્રમિકોનું સફળ રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું.
ફસાયેલા શ્રમિકો વોકિંગ, યોગા કરતા હતા
ઉત્તરકાશીઃ સિલ્ક્યારા ટનલમાંથી સલામત બહાર આવેલા 41 શ્રમિકો ટનલમાં 17 દિવસના નિવાસ દરમિયાન દિનચર્યાના ભાગરૂપે ટનલની અંદર 2 કિલોમીટરના પટમાં ચાલતા, યોગા કરતા અને એકબીજા સાથે મોબાઇલ ગેમ્સ રમતા હતા. ટનલની ઘટનાને યાદ કરીને 25 વર્ષીય શ્રમિક મનજિત ચૌહાણે કહ્યું કે, અમે બધા ડરી ગયા હતા, લોકો બધી પ્રકારની વાતો કરી રહ્યા હતા. તરસ, ખોરાકની અછત, ગૂંગળામણ બધું એક જ સમયે મગજમાં આવ્યું હતું, પરંતુ જ્યારે અમે બહારની ચાર ઇંચની પાઇપ સાથે જોડાણ સ્થાપિત કર્યું, ત્યારે મૂડ બદલાવા લાગ્યો હતો.

