નડિયાદઃ નડિયાદ-મહુધા રોડ પર આવેલા બિલોદરામાં દેવદિવાળીની રાત્રે કહેવાતી આયુર્વેદિક સિરપ પીધા બાદ 6 વ્યક્તિનાં મોત નીપજ્યાં હતાં, જ્યારે અન્ય 7 યુવાનોને સારવારઅર્થે ખસેડવામાં આવ્યા હતા. આ બોટલ કાલમેઘસવા અસવા અરિષ્ઠા સિરપ બ્રાન્ડની હતી. આ પ્રકરણમાં વડોદરાના બે મુખ્ય આરોપી નીતિન કોટવાણી અને ભાવેશ સેવકાણીની વડોદરાથી ધરપકડ કરી છે.
બિલોદરા ગામમાં દેવદિવાળીની રાત્રે માંડવીનું આયોજન કરાયું હતું, જે દરમિયાન આ તમામ યુવકોએ આ ઝેરી સિરપ પીતાં તેમની તબિયત બગડી હતી, જેમાંથી 6 યુવકનાં મોત નીપજ્યાં છે.
આ ઘટના અંગે શુક્રવારે મોડી સાંજે ફરિયાદ નોંધવામાં આવી હતી. ફરિયાદમાં પ્રથમ આરોપી તરીકે યોગેશ પારુમલ સિંધી, પૂર્વ ભાજપ કોષાધ્યક્ષ કિશોર સોઢા, ઈશ્વર સોઢા, નીતિન કોટવાણી અને ભાવેશ સેવકાણી દર્શાવવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે વડોદરાનો નીતિન કોટવાણી કેમિકલના વેપલામાં કુખ્યાત છે. અગાઉ પણ તેની નકલી સેનેટાઇઝરના વેચાણ સહિતના કેસમાં ધરપકડ થઈ ચૂકી છે. આ સિરપ નડિયાદ તાલુકાના પૂર્વ ભાજપ કોષાધ્યક્ષ કિશોર સોઢાની દુકાનમાંથી જ વેચાઈ હોવાનું બહાર આવ્યું છે.
ઝડપાયેલા નીતિન કોટવાણી અને ભાવેશ સેવકાણીની ધરપકડ પહેલાં પોલીસે તપાસ હાથ ધરી યોગેશ સિંધી, નારાયણ સોઢા અને તેના ભાઈ ઇશ્વર સોઢાની ધરપકડ કરી છે. એટલે કે આ કેસમાં પોલીસ અત્યાર સુધીમાં પાંચ આરોપીની ધરપકડ કરી ચૂકી છે.
પોલીસ દ્વારા નીતિન અને ભાવેશને ઝડપી લેવા વિવિધ ટીમ બનાવી નાસિક, પૂણે અને મુંબઈમાં તપાસ હાથ ધરાઈ હતી. જો કે આ દરમિયાન આરોપી ભાવેશ સેવકાણી દિલ્હી-વડોદરા ફ્લાઇટ દ્વારા આવવાનો હોવાની અને નીતિન કોટવાણી કાર દ્વારા તેના પરિવારને મળવા આવવાનો હોવાની બાતમી મળતાં બંનેની ધરપકડ કરી લેવામાં આવી હતી.
નડિયાદની ઘટના બાદ અમદાવાદ પોલીસને મેડિકલ સ્ટોર, પાનપાર્લર કે દુકાનોમાં ક્યાંય પણ આ સિરપ વેચાતી હોય તો તે કબજે કરી લેવા સૂચના અપાઈ છે. જેના કારણે પોલીસે મેડિકલ, આયુર્વેદિક દવાની દુકાન, દવાખાનાં, કરિયાણાની દુકાન, પાન પાર્લરમાં ચેકિંગ શરૂ કર્યું હતું.
રાજ્ય આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, નડિયાદની ઘટનામાં આયુર્વેદિક દવા સાથે જે ઝેરી કેમિકલની ભેળસેળ કરાઈ હતી, તે રાજ્ય બહારથી આવ્યું હોવાનું પ્રાથમિક તારણ છે. આરોગ્ય સાથે ચેડાં કરતી વ્યક્તિઓને છોડવામાં આવશે નહીં.

