ઇમ્ફાલઃ મણિપુરના સૌથી જૂના ઉગ્રવાદી જૂથ યુનાઇટેડ નેશનલ લિબરેશન ફ્રન્ટે નવી દિલ્હીમાં શાંતિ કરાર પર હસ્તાક્ષર કર્યા છે અને હથિયાર હેઠાં મૂક્યાં છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બુધવારે આ વાતનું એલાન કર્યું હતું.
શાહે એક પોસ્ટમાં લખ્યું હતું કે, ‘એક ઐતિહાસિક સીમાચિન્હ પ્રાપ્ત થયું છે!! પૂર્વોત્તરમાં કાયમી શાંતિ સ્થાપવાના મોદી સરકારના અવિરત પ્રયત્નોમાં એક નવો અધ્યાય ઉમેરવામાં આવ્યો છે.’
UNLF શું છે?
24 નવેમ્બર 1964ના રોજ અરિબામ સમરેન્દ્ર સિંહના નેતૃત્વ હેઠળ સ્થપાયેલા યુએનએલએફ ઉત્તર-પૂર્વીય રાજ્ય મણિપુરનું સૌથી જૂનું મૈતેઇ વિદ્રોહી જૂથ છે. 70 અને 80ના દાયકામાં જૂથે મુખ્યત્વે એકત્રીકરણ અને ભરતી પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. 1990માં તેણે ભારતથી મણિપુરની મુક્તિ માટે સશસ્ત્ર સંઘર્ષ શરૂ કરવાનું નક્કી કર્યું. એ જ વર્ષે તેણે મણિપુર પીપલ્સ આર્મીની સશસ્ત્ર પાંખની રચના કરી.
યુએનએલએફ અને એમપીએ મણિપુરમાં મૈતેઇ ઉગ્રવાદી સંગઠનમાં સામેલ હતાં, જેના પર આ મહિનાની શરૂઆતમાં કેન્દ્રીય ગૃહ મંત્રાલયે પ્રતિબંધ મૂક્યો હતો. પૂર્વોત્તર રાજ્યમાં ચાલતી હિંસાના પગલે અનેક મૈતેઇ ઉગ્રવાદી સંગઠનોને ગેરકાયદે જાહેર કરવા નિર્ણય લેવાયો હતો.

