મહેસાણાઃ મહેસાણાના એક ગામની મહિલાએ સપ્ટેમ્બર 1997માં શહેરી વિસ્તારની એક હોસ્પિટલમાં પોતાની દીકરીને જન્મ આપ્યો હતો. જે દીકરીએ પોતાના જન્મનાં 25 વર્ષે યુવક બનવા સુરતની એક હોસ્પિટલમાં લિંગ પરિવર્તનની સર્જરી કરાવી હતી. લિંગ પરિવર્તન બાદ યુવતીમાંથી યુવક બનેલી વ્યક્તિએ પોતાના જન્મના પ્રમાણપત્રમાં પોતાનું નામ અને જાતિ બદલાવવા માટે મહેસાણા નગરપાલિકા કચેરીએ આવી જન્મ – મરણ શાખામાં અરજી કરી છે.
પાલિકાના ઇતિહાસમાં પ્રથમવાર જાતિ પરિવર્તન માટેની અરજી મળતાં તંત્ર મૂંઝવણમાં મુકાયું હતું. જો કે 10 મહિનાની પ્રક્રિયા બાદ આ યુવતીના બર્થ સર્ટિફિકેટમાં ફેરફાર કરી પુરુષનું બર્થ સર્ટિફિકેટ ઇશ્યૂ કરાયું હતું. લિંગ પરિવર્તનની સર્જરી બાદ 25 વર્ષીય સ્ત્રીએ પોતે પુરુષ હોવાનું જન્મ પ્રમાણપત્ર મેળવવા માટે અરજી કરતાં મહેસાણા પાલિકા દ્વારા ઉપરી વિભાગમાં આ અંગેનો અભિપ્રાય માગવામાં આવ્યો હતો. ત્યાં ગૃહવિભાગમાંથી કાયદાની જોગવાઈ મુજબ નિયમ અનુસાર અરજદારના લિંગ પરિવર્તનના પુરાવા મેડિકલ સર્ટિફિકેટના આધારે અરજીનો નિકાલ કરવા અભિપ્રાય આપ્યો હતો. ત્યાં મહેસાણા પાલિકા દ્વારા નિયમ અનુસાર પ્રોટેક્શન એક્ટની કલમ 7 મુજબ અરજદારનું નામ અને સ્ત્રી જાતિના જન્મના પ્રમાણપત્ર સુધારો કરી પુરુષ જાતિ અને નવા નામવાળું જન્મનું પ્રમાણપત્ર ઇશ્યૂ કરાયું હતું.

