રાજ્ય સરકારનાં બોર્ડ-નિગમોમાં નિમણૂક, સંગઠનમાં ફેરફારની શક્યતા

Wednesday 06th December 2023 03:27 EST
 
 

ગાંધીનગરઃ રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં ભાજપના જ્વલંત વિજયથી ગુજરાત ભાજપના ત્રણ પાટીદાર નેતાઓનું રાષ્ટ્રીય ફલક પર કદ વધ્યું છે. આ સાથે જ લાંબા સમયથી ગુજરાત ભાજપના નેતાઓ જેની રાહ જોઈ રહ્યા છે તે સામાજિક ક્ષેત્રોનાં સરકારી બોર્ડ નિગમોમાં ચેરમેન, વાઇસ ચેરમેન, ડાયરેક્ટરની નિમણૂકોની પ્રક્રિયા અને પ્રદેશ સંગઠનમાં ખાલી પડેલાં પદો ઝડપથી ભરવાની ચર્ચાએ વેગ પકડ્યો છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મધ્યપ્રદેશ ચૂંટણીમાં ભાજપનો પ્રચાર કરતાં ત્રણ દિવસમાં 8થી વધારે ચૂંટણીસભા સંબોધી હતી, જે ભાજપને ફળી છે. આ જ પ્રકારે મનસુખ માંડવિયાને છત્તીસગઢ અને નીતિનભાઈ પટેલને રાજસ્થાનમાં મહત્ત્વની જવાબદારી સોંપાઈ હતી, જેમાં તેઓ સફળ રહ્યા હતા. આ સિવાય કુબેર ડિંડોર અને જગદીશ વિશ્વકર્માને પણ મધ્યપ્રદેશમાં વિશેષ જવાબદારી સોંપાઈ હતી.
 હવે આ ધારાસભ્યો, પૂર્વમંત્રી- પદાધિકારીઓનું કદ પ્રાદેશિક સ્તરે પણ વધશે એ નિશ્ચિત છે. એથી બોર્ડ, નિગમોમાં નિયુક્તિ અને પ્રદેશ સંગઠનમાં લોકસભા ચૂંટણીને ધ્યાને રાખીને જવાબદારી સોંપાય તો નવાઈ નહીં.


comments powered by Disqus