અમદાવાદઃ કેડિલા ફાર્માના સીએમડી રાજીવ મોદી સામે બલ્ગેરિયન યુવતીએ કરેલી દુષ્કર્મની ફરિયાદ પોલીસે ન લેતાં હાઇકોર્ટમાં અરજી કરાઈ હતી. સુનાવણી દરમિયાન સિનિયર પોલીસ અધિકારીઓ ફરિયાદ પાછી લેવા દબાણ કરતા હોવાની ઓડિયો ક્લિપની ટ્રાન્સ્ક્રીપ્ટ સોગંદનામા પર રજૂ કરાઈ હતી. સરકાર તરફે જવાબ આપવા માટે સમયની માગણી કરાતાં કોર્ટે સુનાવણી 8 ડિસેમ્બર પર મુલતવી રાખી છે.
યુવતીએ કરેલી અરજીમાં રજૂઆત કરાઈ કે, રાજીવ ફલાઇટ એટેન્ડન્ટ તરીકે બલ્ગેરિયાથી તેને ઇન્ડિયા લાવ્યા હતા અને છારોડીમાં તેના ઘરની બાજુમાં તેના રહેવાની વ્યવસ્થા કરી હતી. તેઓ જમ્મુ અને ઉદયપુર લઈ જઈને ફ્લાઇટમાં યુવતી સાથે અણછાજતું વર્તન કરતા હતા અને દુષ્કર્મ આચરતા હતા. તેના જેવી અનેક યુવતીઓને વિદેશથી વિવિધ કામ માટે નોકરી માટે રાખીને દુષ્કર્મ આચરાતું હતું. રાજીવે અનેક વખત અન્યની હાજરીમાં પણ યુવતી સાથે અશ્લીલ હરકતો કરી છે. યુવતીએ ઇનકાર કરતાં તેણે એવી વાત કરી હતી કે, નોકરી કરવી હોય તો બાંધછોડ કરવી પડે. યુવતી તરફથી એવી દલીલ કરાઈ હતી કે. પોલીસ આરોપી રાજીવ મોદી સાથે ભળી ગઈ છે અને આરોપીને બચાવવા યુવતીને ફરિયાદ પાછી ખેંચી લેવા દબાણ કરે છે.
27 પુરાવા હાઇકોર્ટમાં રજૂ થશે
રાજીવ મોદી સામે બલ્ગેરિયન યુવતીએ 27 પુરાવા એકત્ર કર્યા છે. તેમાં રાજીવ મોદીએ જે યુવતીઓ સાથે દુષ્કર્મ આચર્યું છે તે તમામનાં નિવેદનોનો સમાવેશ થાય છે. રાજીવ માટે માનવ તસ્કરી કરતા જ્હોન્સન મેથ્યૂ અને રાજીવના લેપટોપ ડેટા, રાજીવે છોકરીઓની સર્વિસ માટે કેટલો ચાર્જ ચૂકવ્યો તેની તમામ વિગતો, વિદેશી છોકરીઓના વિઝા અને પાસપોર્ટની વિગતો, રાજીવ મોદીના ઇન્કમટેક્સની નકલ જેમાં છોકરીઓને ચૂકવેલાં નાણાંની વિગતો વગેરે મળી કુલ 27 પુરાવા હાઇકોર્ટમાં રજૂ કરાશે.

