અમદાવાદઃ પંડિત દીનદયાળ એનર્જી યુનિવર્સિટી (પીડીઈયુ)નો 11મો પદવીદાન સમારંભ શનિવારે યોજાયો હતો, જેમાં મુખ્ય મહેમાન તરીકે ઇસરોના ચેરપર્સન ડો. એસ. સોમનાથ હાજર રહ્યા હતા. આ દરમિયાન પીડીઈયુના પ્રેસિડેન્ટ મૂકેશ અંબાણીએ વિદ્યાર્થીઓને સંબોધતાં જણાવ્યું હતું કે, ભારત આગામી 25 વર્ષમાં દુનિયાના આર્થિક વિકાસનો સાક્ષી બનશે. આજના 3.5 ટ્રિલિયન ડોલરના અર્થતંત્રમાંથી આપણો દેશ 2047 સુધીમાં 40 ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બનશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી.
આ વિકાસને ગતિ પૂરી પાડવા ખૂબ જ ઊર્જાની જરૂર પડશે. મને વિશ્વાસ છે કે, ભારત આ સમસ્યાનો સામનો કરવા સ્માર્ટ અને ટકાઉ ઉકેલ શોધવામાં સક્ષમ છે. સ્નાતક વિદ્યાર્થીઓને તેમણે સફળતાનાં મંત્રો આપતાં કહ્યું કે, નિર્ભય બનો, મોટા સપનાં જુઓ, પરંતુ શિસ્તબદ્ધ રહો. નવા જ્ઞાન માટે ઉત્સુક રહો અને દેશભક્ત બનો.
ઇસરોના ચેરપર્સન ડો. એસ સોમનાથે કહ્યું કે, નવું શીખવા માટેનું પેશન હશે તો કામ કરવામાં વધારે મજા આવશે. નિષ્ફળતાનો સામનો કરતાં શીખશો તો સફળતા મળવાની શક્યતા વધી જશે. ચંદ્રયાન-3ની સફળતા પહેલાં અમે નિષ્ફળતાનો સામનો કર્યો હતો. આપણી ક્રોસ ઇફેક્ટિવ ટેક્નોલોજીથી વિશ્વ આશ્ચર્યમાં મુકાયું છે અને તેઓ પૂછી રહ્યા છે કે, આપણે આટલા ખર્ચમાં સ્પેસ મિશન કેવી રીતે પૂરું કરી શક્યા? ડો. સારાભાઈની કાર્યપદ્ધતિ આજે પણ અમે અનુસરીએ છીએ.

