પાટણઃ સિદ્ધપુર ખાતે મા સરસ્વતી નદીની કૂખમાં કાર્તિકી પૂર્ણિમાના અવસર પર યોજાયેલા પારંપરિક મેળાનું રવિવારે સમાપન થયું. મેળાના 8 દિવસ દરમિયાન સમગ્ર રાજ્યથી લાખો લોકો ઊમટ્યા હતા. કારતક સુદ ચૌદસ અને પૂર્ણિમા પર ત્રિવેણી સંગમ હોવાથી આ ક્ષણનો લહાવો લઈ લાખો લોકોએ સરસ્વતી નદીના ઘાટ પર પિતૃ તર્પણવિધિ કરી ધન્યતા અનુભવી હતી. 8 દિવસના મેળામાં અંદાજે 5 લાખથી પણ વધુ લોકો ઊમટ્યા હતા અને 2 લાખથી વધુ લોકોએ તર્પણવિધિ કરાવી હતી.
સિદ્ધપુરમાં કુંવારિકા માં સરસ્વતીની કૂખમાં ભરાતા પરંપરાગત કાર્યોકના મેળામાં શ્રદ્ધા, તર્પણ અને ઉલ્લાસનો ત્રિવેણી સંગમ જોવા મળ્યો. ચૌદસ અને પૂર્ણિમા પર સરસ્વતી નદીમાં ત્રિવેણી સંગમ સર્જાયો હોવાથી ભક્તોએ અહીં સ્નાન કરી ધન્યતા અનુભવી હતી. હૈયેહૈયું દળાય એવી ભીડથી છલકાતા મેળામાં બાળકો તેમજ યુવાનો માટે ચકડોળ, મોતનો કૂવો અને બ્રેક ડાન્સ સહિતની અનેક મનોરંજક કાર્યક્રમો અને રાઇડ્સ હતાં, તો તમામ પ્રકારની ખાણીપીણીના સ્ટોલ પણ ઊભા કરવામાં આવ્યા હતા

