સુરતઃ સચિન જીઆઇડીસી વિસ્તારમાં આવેલી એથર ઇન્ડસ્ટ્રી કેમિકલ કંપનીમાં મંગળવારે મોડી રાત્રે ભયંકર બ્લાસ્ટ સાથે ભીષણ આગ ભભૂકી ઊઠી હતી. આ ઘટનામાં કામદારોની ચિચિયારીઓથી સમગ્ર વિસ્તાર ગૂંજી ઊઠ્યો હતો. આ ઘટનામાં લાપતા થયેલા 7 કામદારોના હાડપિંજર મળી આવ્યાં હતાં. દુર્ઘટનામાં 27 જેટલા કામદારો દાઝ્યા છે, જેમાંથી 8થી વધુ કામદારો 70થી 100 ટકા સુધી દાઝી જતાં જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાઈ રહ્યા છે.
આ અંગે સુરત પોલીસ ડીસીપીએ જણાવ્યું હતું કે, કંપનીમાં કામ કરતા કર્મચારીઓ ગુમ હતા, જેમના હાડપિંજર મળ્યાં છે. સુરત જોઇન્ટ પોલીસ કમિશનર કે.એન. ડામોર એથર ઇન્ડસ્ટ્રી પહોંચ્યા હતા, જ્યાં તેમણે જણાવ્યું હતું કે, મંગળવારની રાત્રે એથર ઇન્ડસ્ટ્રીઝમાં આગ લાગી હતી, જે આગને સચિન જીઆઇડીસી ફાયર વિભાગની ટીમે 24 કલાકમાં બુઝાવી હતી. આ ઘટનાની સચિન જીઆઇડીસી પોલીસે તપાસ ચાલી રહી છે.
કંપનીના સંચાલકે શું કહ્યું?
એથર ઇન્ડસ્ટ્રીઝના સભ્ય કમલ તુલસિયાને જણાવ્યું હતું કે, જેટલા કામદારો લાપતા થયા હતા, તેમના મૃતદેહ મળ્યા છે. અમે 7 લોકોને આઇડેન્ટિફાય કર્યા હતા. જેમના મૃતદેહ મળ્યા છે તેમની અંતિમવિધિ માટે કંપની દ્વારા રૂ. 25-25 હજાર આપવામાં આવ્યા છે. જે લોકોનાં મૃત્યુ નીપજ્યાં છે તેમને કેટલું વળતર મળશે તે અંગેની પણ અમે ચર્ચા કરી રહ્યા છીએ. કંપની પોતાની તરફથી રૂ. 5થી 10 લાખ સુધીની રકમ આપવાનો નિર્ણય કરી રહી છે.
અંતિમ સંસ્કાર માટે રઝળપાટ
આગમાં મૃતદેહ એ હદે બળી ગયા છે કે પરિવારના સભ્યો પણ પોતાના સ્વજનની લાશ ઓળખી શક્યા નહોતા, જેના લીધે પોલીસે ડીએનએ સેમ્પલ લઈ તપાસ માટે ફોરેન્સિક તપાસ બાદ સ્વજનોને મૃતદેહ સોંપ્યા હતા, જે બાદ અંતિમસંસ્કારની વિધિ પૂર્ણ કરાઈ હતી.

