દુબઈઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દુબઈમાં ચાલી રહેલી ક્લાઇમેટ સમિટ દરમિયાન નોંધપાત્ર હાજરી આપી હતી. આ સમિટમાં તેઓ ઇટાલીનાં પ્રધાનમંત્રી જ્યોર્જિયા મેલોની, બ્રિટનના કિંગ ચાર્લ્સ, બ્રિટનના પ્રધાનમંત્રી રિશી સુનાક, માલદીવના રાષ્ટ્રપતિ મુહમ્મદ મુઈઝ્ઝુ, વિએતનામના પ્રધાનમંત્રી ફામ મિન્હ, માઇક બ્લૂમબર્ગ સાથે મુલાકાત કરી હતી.
ક્લાઇમેટ સમિટમાં પ્રધાનમંત્રી મોદીએ શું કહ્યું?
પીએમ મોદીએ ક્લાઇમેટ સમિટને સંબોધતાં કહ્યું હતું કે, ગઈ સદીમાં થયેલી ભૂલોને સુધારવા માટે આપણી પાસે વધુ સમય નથી. તેમણે તમામ દેશોને કાર્બન ઉત્સર્જન ઘટાડવા માટે પ્રામાણિકપણે પ્રયાસ કરવા જણાવ્યું હતું. પ્રધાનમંત્રીએ ભારતમાં COP-33 સમિટ યોજવાની પણ વાત કરી હતી. ગ્રીન ક્રેડિટ અંગે પ્રોગ્રામમાં મોદીએ કહ્યું કે, જેમ આપણે આપણા હેલ્થકાર્ડ વિશે વિચારીએ છીએ, એ જ રીતે આપણે પર્યાવરણ વિશે પણ વિચારવું જોઈએ.
મોદીએ ધનિક દેશો પર નિશાન સાધતાં નામ લીધા વિના તેમણે કહ્યું હતું કે, સદીઓ પહેલાં કેટલાક દેશોનાં કાર્યોની કિંમત આખી દુનિયા ચૂકવી રહી છે. જે દેશો અતિશય કાર્બન ઉત્સર્જન માટે જવાબદાર છે, તેમણે ક્લાઇમેટ ચેન્જનો સામનો કરવા ગરીબ દેશોને ટેક્નોલોજી ટ્રાન્સફર કરવી જોઈએ.
મોદી - મોઈઝ્ઝુની બેઠક
માલદીવ અને ભારત બંનેના વિવાદ વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને માલદીવના નવા રાષ્ટ્રપતિ મોહમ્મદ મોઇઝ્ઝૂની વચ્ચે બેઠક યોજાઈ હતી. બંને દેશોેના સંબંધ મજબૂત બનાવવા આ બેઠક મહત્ત્વપૂર્ણ મનાય છે.
પ્રધાનમંત્રી મોદીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી કહ્યું હતું કે, રાષ્ટ્રપતિ મોઇઝ્ઝુ અને મારા વચ્ચે એક બેઠક યોજાઈ. અમે વિવિધ ક્ષેત્રમાં ભારત-માલદીવ મિત્રતાને વધારવાના ઉપાયો પર ચર્ચા કરી હતી. અમે અમારા લોકોના લાભ માટે સહયોગને પ્રગાઢ કરવા માટે એકસાથે મળીને કામ કરવા માટે ઉત્સુક છીએ.

