800થી વધુ પ્રજ્ઞાચક્ષુની આંખો બની અમદાવાદના યુવાને રેડ્યો શિક્ષણ પ્રકાશ

Wednesday 06th September 2023 06:37 EDT
 
 

- બાદલ લખલાણી

અમદાવાદઃ પ્રજ્ઞાચક્ષુ અને હેન્ડિકેપ વિદ્યાર્થીઓની પરીક્ષામાં રાઇટર તરીકેની મદદ બાબતે અમદાવાદના સામાજિક કાર્યકર અલ્પેશ કારેણાએ વિશ્વવિક્રમ સ્થાપ્યો છે. 800થી પણ વધારે પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓનાં 800 પેપર લખીને વર્લ્ડ રેકોર્ડ ઓફ ઇન્ડિયામાં નામ નોંધાવ્યું છે, તેમજ વર્લ્ડ રેકોર્ડની ટીમ દ્વારા પણ અલ્પેશ કારેણાને ગોલ્ડ મેડલ અને સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યાં છે.
આ કાર્ય વિશે વાત કરતાં અલ્પેશ કારેણા જણાવે છે કે, જ્યારે 2014માં પોતાના ગામ ગડુ (દેવભૂમિ દ્વારકા) થી એન્જિનિયરિંગના અભ્યાસ માટે અમદાવાદ આવવાનું થયું, ત્યારે એલ.ડી. કોલેજ ઓફ એન્જિનિયરિંગમાં સિવિલમાં એડમિશન થયું અને હોસ્ટેલમાં રહેવાનું થયું. એક વખત અંધજનમંડળની મુલાકાત લીધી અને ત્યાં ગુજરાતીના શિક્ષક તરીકે સેવા આપવાની શરૂઆત કરી. ધીરેધીરે ખબર પડી કે પ્રજ્ઞાચક્ષુ લોકોને પરીક્ષામાં રાઇટરની જરૂર પડે, તો એક વલત પેપર લખવા ગયા. આ સમયે અલ્પેશે જોયું કે ઘણા વિદ્યાર્થીઓને રાઇટર નથી મળી રહ્યા અને પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ રડી રહ્યા છે. અલ્પેશ જણાવે છે કે આ વેદના મારાથી સહન ન થઈ અને મનમાં નિર્ણય કર્યો કે મારે આ વિદ્યાર્થીઓ માટે કંઈક કરવું છે.
અલ્પેશે જણાવ્યું કે, આ રડતા ચહેરા મારી આંખ સામેથી જતા જ નહોતા, આથી મેં હોસ્ટેલ અને કોલેજના મિત્રોને આ વિશે વાત કરી અને મિત્રવર્તુળ માની પણ ગયું. ધીમેધીમે સિલસિલો આગળ વધ્યો અને પછી મારી પાસે 250 લોકોનું એક મજબૂત ગ્રૂપ થઈ ગયું. સાથે જ અમારી એલ.ડી. કોલેજમાં પણ આચાર્યે દરેક વિદ્યાર્થીને છૂટ આપી કે પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓનાં પેપર લખવામાં મદદ કરે એમને ક્લાસમાં હાજરીની છૂટ અપાશે. આ રીતે આખા અમદાવાદમાં અને ગુજરાતના અલગ-અલગ જિલ્લામાં ગ્રૂપ કાર્યરત્ થયું અને અનેક લોકોનો સાથ સહકાર મળ્યો.
એક દિવસમાં સતત 9 કલાક સુધી પેપર લખ્યાં
અલ્પેશે જાતે 800 પેપર લખ્યાં એ વિશે વાત કરે છે કે હું છેલ્લાં 9 વર્ષથી પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓના રાઇટર તરીકે જાઉં છું. દરેક પરીક્ષામાં હું જતો જ, કારણ કે હું જાતે પેપર લખીશ તો જ બીજાને કહી શકીશ કે તમે પણ આવો. ક્યારેક 4-4 કોલેજોમાં એકસાથે પરીક્ષાનો માહોલ હોય, ત્યારે હું એક દિવસમાં બધાં જ પેપર લખતો. મને બરાબર યાદ છે કે મેં સતત એક અઠવાડિયા સુધી 4-4 પેપર લખેલાં છે. પહેલું પેપર સવારે 8 થી 9:30, બીજું પેપર 10થી 11:30, ત્રીજું પેપર 12થી 3, ચોથું પેપર 5થી 6:30 અને સાંજે અંધજનમંડળ વસ્ત્રાપુર ખાતે 8થી 10 સુધી તો જવાનું. અંધજન મંડળ વસ્ત્રાપુરમાં ગુજરાતી શિક્ષક અને વાંચનની પ્રવૃત્તિ તરીકે 4 વર્ષ સુધી હું દરરોજ સાંજે 8થી 10 સુધી જતો અને એ પણ ચાલીને, કારણ કે જમીને જતો એટલે ખાવાનું પણ પચી જાય અને પૈસાની પણ બચત થાય. આ સિવાય ક્યારેય એવું પણ બનતું કે મારી પણ પરીક્ષા હોય અને આ લોકોની પણ પરીક્ષા આવે. ત્યારે પણ હું મારું પેપર લખીને તરત જ પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓના રાઇટર તરીકે જતો હતો. આ રીતે સેવાની આ 9 વર્ષની યાત્રામાં ક્યારે 800થી ઉપર પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓનાં પેપર લખાઈ ગયાં એની પણ ખબર ન પડી અને આજે વર્લ્ડ રેકોર્ડ થઈ ગયો.
પોકેટ મનીમાંથી પૈસા બચાવીને પ્રજ્ઞાચક્ષુઓને મદદ
અલ્પેશ આગળ જણાવે છે કે, આ બધી જ પ્રવૃત્તિની સાથે દરમહિને એક સામાજિક સંસ્થામાં અમે ઇવેન્ટ પણ કરતાં. અપંગ માનવ મંડળ, અનાથ આશ્રમ, વૃદ્ધાશ્રમ, સ્લમ સ્કૂલ વગેરે સંસ્થાઓમાં જઈને સમય પસાર કરી એ લોકોને પણ આનંદ આવે એવી કંઈક કંઈક પ્રવૃત્તિ કરતા. આ બધી જ પ્રવૃત્તિ અને પ્રજ્ઞાચક્ષુ મિત્રોના રાઇટરની સેવા કરવા માટે અમે ક્યારેય કોઈ પાસેથી એકપણ રૂપિયો નથી લેતો. બધી જ સેવા બિલકુલ નિ:શુલ્ક જ આપી છે. મિત્રોએ શક્તિ અને સમય દાન આપ્યું, એમાં જ બધું કામ થઈ ગયું તો પૈસાની ક્યારેય જરૂર જ નથી પડી. જ્યાં જરૂર પડી ત્યાં પોકેટ મનીમાંથી આપી દીધા છે. આજે વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાયું એ મારા માટે ખુશીની વાત છે. મારી 9 વર્ષની મહેનતનું આ પરિણામ છે. અહીં પહોંચવામાં મને પરિવાર, મિત્રો અને અમદાવાદના નામી અનામી અનેક લોકોને ક્યારેય ન ભૂલી શકું એવો સહયોગ મળ્યો છે.
અલ્પેશ કારેણાએ અડધી રાતનો હોંકારો પુસ્તક પણ લખ્યું


comments powered by Disqus