અમદાવાદઃ ડાકોરમાં વીઆઇપી દર્શનનો વિવાદ હજુ શમ્યો નથી, ત્યાં પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં પણ રૂ. 5 હજાર આપી ગર્ભગૃહમાં વીઆઇપી દર્શન કરી શકાય છે. મંદિરના વહીવટદાર દ્વારા ઊભી કરાયેલી આ વ્યવસ્થાનો વિરોધ થઈ રહ્યો છે.
છેલ્લા એક મહિનાથી અંબાજી મંદિરમાં પણ શ્રદ્ધાળુઓને ગર્ભગૃહમાં વીઆઇપી દર્શન કરી શકાય તેવી વ્યવસ્થા શરૂ કરાઈ છે. આ મામલે એવો આક્ષેપ કરાયો છે કે, પાંચ હજાર દાનપેટે આપો તો એક રિસિપ્ટ આપવામાં આવે છે. તે રિસિપ્ટ દેખાડો તો ટેમ્પલ ઇન્સ્પેક્ટર મંદિરના ગર્ભગૃહમાં દર્શનની વ્યવસ્થા કરાવી આપે છે.
આ અંગે ભક્તો દ્વારા એવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે કે, મંદિરના વહીવટદાર દ્વારા લેવાયેલાં વીઆઇપી દર્શનના નિર્ણયનો વિરોધ કરી કલેક્ટરને આવેદનપત્ર અપાશે. ત્યારબાદ મોહનથાળ વિવાદને લઈને જે રીતે આંદોલન કરાયું હતું તે પ્રમાણે આંદોલન કરવામાં આવશે.

