રાજકોટઃ આદિત્ય એલ-1ના અવકાશગમન પ્રોજેક્ટ સાથે રાજકોટમાં એમએસસી સુધીનો અભ્યાસ પૂરો કર્યા બાદ પીએચડી કરનારા મૂળ દક્ષિણ ભારતના ડો. સતિષ થમ્પીનું યોગદાન ઘણું મોટું રહ્યું છે. તેઓએ આદિત્ય એલ-1 મિશનમાં પ્લાઝમા એનેલાઇઝર પેકેજ ફોર આદિત્ય ડેવલપ કરીને અવકાશમાં તરતું મૂક્યું છે. જેના થકી સૂર્યમાંથી ઉત્પન્ન થતા પ્લાઝમાના તોફાનથી પૃથ્વીને સુરક્ષિત કઈ રીતે રાખી શકાય તેની જાણકારી મળી શકશે.
આદિત્ય એલ-1 મિશનના ગૌરવશાળી પ્રોજેક્ટની સાથે જોડાયેલા અવકાશ વિજ્ઞાનના સંશોધક ડો. સતિષ થમ્પી રાજકોટની સૌરાષ્ટ્ર યુનિ.માં ફિઝિક્સ ભવનમાં જ એમએસી પૂરું કરીને તેઓએ પીએચડીની પદવી મેળવી હતી. સુપર કંડક્ટિવિટી અર્થાત્ પદાર્થની અતિવાહકતા વિષય ઉપર તેઓ ડોક્ટરેટ થયા હતા. વર્ષ 2001માં પીએચડી પૂરું કર્યા બાદ તેઓ ફિઝિકલ સર્ચ લેબોરેટરીમાં વૈજ્ઞાનિક તરીકે જોડાયા હતા. ત્યારબાદ તેઓએ અવકાશ વિજ્ઞાન ક્ષેત્રે
સંશોધન કરવા માટે ત્રિવેન્દ્રમમાં ઇસરોની પસંદગી કરી હતી.
ડો. થમ્પીના સંશોધક મિત્ર એવા ડો. નિકેશ શાહે જણાવ્યું હતું કે, ડો. સતિષ થમ્પી સૌરાષ્ટ્ર યુનિ.ની હોસ્ટેલમાં રહીને જ ભણ્યા. ફિઝિક્સ ભવનમાં વિદ્યાર્થી હતા ત્યારે તેઓને બેઝિક રિસર્ચ ફેર ન્યુક્લીયર સાયન્સના પ્રોજેક્ટ માટે ડિપાર્ટમેન્ટ ઓફ એટોમિક એનર્જી ડિપાર્ટમેન્ટ, નવી દિલ્હીથી ખાસ ફેલોશિપ મેળવી હતી. તેમના એક ભાઈ પણ સાયન્ટિસ્ટ હતા. સૌરાષ્ટ્ર યુનિ. સાથે ચાર વર્ષ કે તેથી વધુ સમય સુધી જોડાયેલા ડો. થમ્પી આદિત્ય એલ-1 મિશનની એક્સપર્ટ પેનલમાં પ્રથમ પંક્તિના સ્પેસ સાયન્ટિસ્ટ રહ્યા છે. તેમની આ સિદ્ધિથી તેઓને સૌરાષ્ટ્ર યુનિ.ના વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપનું નિમંત્રણ આપવામાં આવતાં તેઓએ આગામી ઓક્ટોબર કે નવેમ્બરમાં રાજકોટ આવવાની ખાતરી આપી હોવાનું ડો. નિકેશ શાહે જણાવ્યું હતું. સૌરાષ્ટ્ર યુનિ.ના ફિઝિક્સ ભવનમાં અનુસ્નાતક થયા બાદ ડો. ચિંતન જેઠવા પણ મુંબઈમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ જિઓમેગ્નેટિક્સમાં રિસર્ચ એસોસિયેટ તરીકે કામ કરે છે.

