વડોદરાઃ હિન્દુ મિત્રો સાથે સંબંધ ધરાવતી મુસ્લિમ યુવતી પર ચાંપતી નજર રાખી તેને અને તેના મિત્રને પરેશાન કરી પોતાના સમાજમાં હીરો બનવા માટેનું નેટવર્ક સમગ્ર રાજ્યમાં ફેલાયેલું છે. આ પ્રકરણમાં પોલીસ તપાસમાં અત્યાર સુધી 8 શખ્સની ધરપકડ કરાઈ છે, જ્યારે 9 શખ્સને ડિટેઇન કરાયા છે. આ ઉપરાંત આ પ્રકરણમાં 73 વ્યક્તિના જવાબ લેવાયા છે.
વડોદરા શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે જણાવ્યું હતું કે, આ આખા પ્રકરણની તપાસ ક્રાઇમબ્રાન્ચને સોંપવામાં આવી છે. આ ગ્રૂપમાં ચોંકાવનારી ચેટિંગ જોવા મળી હતી. જેમાં મોબલિચિંગ થાય તેવા મેસેજ પણ ચેટિંગમાં જોવા મળ્યા છે. આ ગ્રૂપ અમદાવાદ, ભાવનગર, આણંદ, બનાસકાંઠા સહિતનાં શહેરો સાથે જોડાયેલાં છે.
કટ્ટરવાદીઓએ 3 ગ્રૂપ બનાવ્યાં હતાં
હિન્દુ યુવક સાથે સંબંધ ધરાવતી મુસ્લિમ યુવતીનો પીછો કરતાં તત્ત્વોએ ત્રણ ગ્રૂપ બનાવ્યાં હતાં, જેમાં હુસેન આર્મી, આર્મી ગ્રૂપ ઓફ મહેંદી અને લશ્કરે આદમ ગ્રૂપનો સમાવેશ થાય છે. છેલ્લા છ માસમાં ગ્રૂપનાં નામ બદલી નાખવામાં આવ્યાં હતાં, જેના કારણે ગ્રૂપમાં નવા સભ્યોનો પણ ઉમેરો કરવામાં આવ્યો હતો.
50 પરિવાર કટ્ટરવાદી આતંકનો ભોગ બન્યા
પોલીસની પ્રાથમિક તપાસમાં એવું બહાર આવ્યું છે કે ગ્રૂપ બનાવીને મુસ્લિમ યુવતી અને તેના હિન્દુ મિત્રને પરેશાન કરતાં તત્ત્વોના ત્રાસનો ભોગ અંદાજે 50 પરિવાર બન્યા હોવાનું જાણવા મળ્યું છે. જો કે હજુ સુધી કોઈ પરિવાર ફરિયાદ માટે આગળ આવ્યો નથી, ત્યારે પોલીસ દ્વારા ગ્રૂપથી પીડિત લોકોને ફરિયાદ કરવા આગળ આવવા માટે અનુરોધ કરાયો છે.

