કરમસદઃ કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો. મનસુખ માંડવિયાએ 2 સપ્ટેમ્બરે આણંદના કરમસદની ભાઈકાકા યુનિવર્સિટી ખાતે અમૃતા પટેલ સેન્ટર ફોર પબ્લિક હેલ્થનું ઉદઘાટન કર્યું હતું. જેમાં રાજ્ય આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ પણ હાજર રહ્યા હતા.
આ સમારોહમાં આણંદના સાંસદ મિતેશ પટેલ (સાંસદ, આણંદ), ડો. રમણભાઈ સોલંકી, યોગેશ પટેલ (ધારાસભ્ય, આણંદ), રાજેશ પટેલ (પ્રમુખ, ભાજપ આણંદ), અતુલ પટેલ (પ્રમુખ, ભાઈકાકા યુનિવર્સિટી), જાગૃત ભટ્ટ (સચિવ, ચારુતર આરોગ્ય મંડળ), ડો. અમૃતા પટેલ (પૂર્વ અધ્યક્ષ, ચારુતર આરોગ્ય મંડળ), ડો. ઉત્પલા ખરોડ (પ્રોવોસ્ટ-ભાઈકાકા યુનિવર્સિટી) અને યુનિવર્સિટી સ્ટાફ અને મહેમાનોએ હાજરી આપી હતી.
અમૃતા પટેલ સેન્ટર ફોર પબ્લિક હેલ્થ એ તમામ કેડરના પબ્લિક હેલ્થ પ્રોફેશનલ્સ માટે એક વાઇબ્રન્ટ લર્નિંગ હબ અને ક્ષમતા-નિર્માણ સંસ્થા બનશે, જે ડો. અમૃતા પટેલ અને તેમની ગહન દૃષ્ટિને આભારી છે.
આ કેન્દ્રનો હેતુ સમુદાયો, એનજીઓ, આરોગ્ય સંભાળ પ્રણાલી અને વૈશ્વિક આરોગ્યની પહેલ માટે કુશળ જાહેર આરોગ્ય નિષ્ણાતો તૈયાર કરવાનો અને વિશ્વભરના વિદ્યાર્થીઓને સંશોધન સુવિધાઓ પૂરી પાડવાનો છે.
એક સ્વપ્નદૃષ્ટા લીડર અને અમારાં ભૂતપૂર્વ અધ્યક્ષ ડો. અમૃતા પટેલે ગ્રામીણ ગરીબોની આરોગ્ય સંભાળની જરૂરિયાતોમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે. પછાત લોકોની સેવા કરવા આરોગ્ય સંભાળ વ્યવસાયિકોની રચના કરતી સંસ્થાની સ્થાપના કરવાનો તેમનો હંમેશાં પ્રયાસ રહ્યો છે. નિઃસ્વાર્થ સેવા માટે તેણીને પદ્મભૂષણ, ડો. નોર્મન બોરલોગ એવોર્ડ અને ઇન્ટરનેશનલ પર્સન ઓફ ધ યર જેવા પ્રતિષ્ઠિત પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યાં છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો. મનસુખ વસાવાએ જણાવ્યું કે, અમૃતા પટેલનું યોગદાન આરોગ્ય સંભાળ અને શિક્ષણ ઉપરાંત પણ ફેલાયેલું છે. તેમણે સરદાર પટેલ શિક્ષણ સંસ્થાન દિલ્હીમાં નોંધપાત્ર પ્રભાવ પાડ્યો હતો. તેમનું બહુપક્ષીય યોગદાન ખરેખર પ્રશંસનીય છે. ચારુતર આરોગ્ય મંડળના સ્થાપક સ્વર્ગસ્થ ડો. એચ.એમ. પટેલનું ખેડૂત સમિતિઓની રચનામાં મહત્ત્વપૂર્ણ યોગદાન રહેલું છે, જે આપણા ખેડૂત સમુદાયને સશક્તિકરણ અને સમર્થન આપવાનું એક મહત્ત્વપૂર્ણ પગલું છે.
ડો. માંડવિયાએ કહ્યું, કોવિડ-19 માટે ભારતનો પ્રતિભાવ ખરેખર વૈશ્વિક હતો. અમે લોકડાઉન દરમિયાન 150 રાષ્ટ્રોને વાજબી કિંમતે ઉચ્ચ ગુણવત્તાની ખાતરી આપી દવા સપ્લાય કરી. અમે રસીના ઉત્પાદન અને વિતરણમાં પણ મહત્ત્વની ભૂમિકા ભજવી, વિશ્વને રોગચાળા સામે લડવામાં મદદ કરી. અમારા માનનીય પ્રધાનમંત્રીએ મને વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં ભાગ લેવાની તક આપી, જ્યાં અમને અમારા ઉત્તમ કોવિડ મેનેજમેન્ટ માટે બિલ ગેટ્સ તરફથી પ્રશંસા મળી. રસીનું ઉત્પાદન જે ખરેખર એક સન્માન હતું.
અમૃતા પટેલ સેન્ટર ફોર પબ્લિક હેલ્થની શરૂઆતની સાથે ભાઈકાકા યુનિવર્સિટીએ ઉન્નત જાહેર આરોગ્ય પહેલ દ્વારા સામાજિક સમાનતાને પ્રોત્સાહન આપવાના સરકારના એજન્ડા સાથે પોતાને તેને અનુરૂપ કર્યા છે.
રાજ્ય આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, આપણા માનનીય વડાપ્રધાને 2030 સુધી વન નેશન, વન હેલ્થ સિસ્ટમની શરૂઆત કરી છે. જે અંતર્ગત અમૃતા પટેલ સેન્ટર ફોર પબ્લિક હેલ્થ ગ્રાસરૂટ હેલ્થ વર્કર્સને તાલીમ આપવામાં મહત્ત્વની ભૂમિકા ભજવશે, જે સ્વસ્થ ભાવિ તરફ એક નોંધપાત્ર પગલું સાબિત થશે.
અતુલ પટેલે માહિતી આપતાં જણાવ્યું કે, લગભગ 51 વર્ષ પહેલાં ચારુતર આરોગ્ય મંડળના સ્થાપક સ્વ. ડો. એચ.એમ. પટેલે એવી સંસ્થાનું સ્વપ્ન જોયું હતું, જે દર્દીઓની આર્થિક સ્થિતિને ધ્યાનમાં લીધા વગર સમાન, નૈતિક અને માનવીય રીતે વર્તે. તેમણે ગ્રામીણ ભારતમાં આરોગ્ય સંભાળ સેવાઓને સુવ્યવસ્થિત કરવા ભાઈકાકા યુનિવર્સિટીની મુખ્ય સંસ્થા ચારુતર આરોગ્ય મંડળની રચના કરી. તેમની પુત્રી ડો. અમૃતા પટેલે મંડળમાં સેવાઓનો વિસ્તાર કર્યો અને રાષ્ટ્રીય સ્તરે ઓળખ આપી.

